________________
૮-૯ સંઘાત અને સંહિતા પણ ‘અનિબદ્ધ' શ્રવ્યકાવ્યના જ પ્રકારો છે. એક જ
ગ્રંથમાં એક જ કવિની સૂક્તિઓનો સમૂહ હોય તો તે સંઘાત કહેવાય છે; જેમ કે, ‘વૃંદાવન’, ‘મેઘદૂત’ વગેરે. પણ વેરવિખેર વૃત્તાન્તોનું એકત્ર સંકલન(સંધાન) તે સંહિતા કહેવાય છે; જેમ કે, ‘યદુવંશ’, ‘દિલીપવંશ’ વગેરે. આમ ‘અનિબદ્ધ’ સાહિત્યના અનેક(અનંત) પ્રકારો છે - જેમનો, સૂત્ર(૮.૧૦)માં ‘આદિ’(વગેરે) શબ્દથી નિર્દેશ થયો છે.
છેલ્લે, હેમચન્દ્રાચાર્ય એક મહત્ત્વનો શાસ્ત્રીય નિયમ નોંધે છે કે મહાકાવ્યના સંબંધમાં જેમ પાંચ પ્રકારની સન્ધિઓ તથા શબ્દ, અર્થ તથા શબ્દાર્થ બંનેનાં વૈચિત્ર્ય આવશ્યક ગણ્યાં છે તેમ જ આખ્યાયિકા, કથા અને ચમ્પૂના સંબંધમાં પણ એમને આવશ્યક માનવાનાં છે. હેમચન્દ્રાચાર્યે નિરૂપેલાં સાહિત્યસ્વરૂપોની સમીક્ષા : આસ્વાદની દૃષ્ટિએ બધું જ સાહિત્ય એક છે
કાવ્યના પ્રેક્ષ્ય (દૃશ્ય) અને શ્રવ્ય એવા બે ભેદ પાડીને તરત જ હેમચન્દ્રાચાર્યે સ્પષ્ટતા કરી છે કે, પ્રેક્ષ્ય કાવ્ય અભિનેય છે, જ્યારે શ્રવ્ય કાવ્ય અનભિનેય એટલે
કે અભિનય વિના જ, સાંભળીને કે વાંચીને માણવાનું છે. આમ, ગ્રંથકારે પ્રેક્ષ્ય અને શ્રવ્ય કાવ્યનો સ્વરૂપગત ભેદ સ્પષ્ટ કર્યો છે. પણ પ્રેક્ષ્ય અને શ્રવ્ય બન્ને કાવ્યભેદોમાં ૨સ સમાનપણે રહેલો છે અને, વસ્તુતઃ એ રસની અભિવ્યક્તિ માટે જ, કવિઓ, કાવ્ય કે નાટકની રચના કરે છે. આમ, રસના અથવા રસાસ્વાદના દૃષ્ટિબિંદુથી બધાં જ કાવ્યો - બધું જ સાહિત્ય એક છે. આમ, સાહિત્યમાત્રાનું એક જ પ્રયોજન છે એ વાત સ્પષ્ટ થાય છે.
સાહિત્યના ‘પ્રેક્ષ્ય’ (રૂપક) અને ‘શ્રવ્ય’ (કાવ્ય) એવા ભેદો વાજબી છે ?
તો પછી, સાહિત્યનું નાટક અને કાવ્ય એવું વર્ગીકરણ વાજબી ગણાય ખરું ?
જો કે નાટક અને કાવ્ય બંનેમાં રસાસ્વાદ સમાન કે એકસરખો જ છે; છતાં, નાટક અને કાવ્યમાં રસાસ્વાદ સિદ્ધ કરવાની પદ્ધતિઓ જુદી જુદી છે. ‘‘કાવ્યમાં, કવિ, રસજમાવટ સાથે સંબંદ્ધ ભાવાત્મક સંયોગોનું વર્ણન કરે છે; પણ, નાટકમાં, નટો જાતે જ એ વસ્તુ પ્રયોગ વડે રજૂ કરે છે.’
નીચેનો શ્લોક આ તફાવત સ્પષ્ટ આંકી આપે છે -
अनुभावविभावानां वर्णना काव्यमुच्यते । तेषामेव प्रयोगस्तु नाटयं गीतादिरंजितम् ॥
૧૯૬