________________
ઊભા રહેવાની ઢબ, ક્રિયા વગેરે સ્વરૂપનો હોય છે. એનું વર્ણન તે જાતિ અલંકાર. ગ્રંથકારે આ ત્રણેયનાં ઉદાહરણો(૬૧૪-૬૧૬) આપ્યાં છે જેમાંથી બે ‘કુમારસંભવ’માંથી ઉદ્ધૃત કરેલાં છે (૩.૭૦; ૪.૨૩). કુમારસંભવના પ્રથમ ઉદાહરણ(૩.૭૦)માં શ૨સંધાન કરીને ભગવાન શંકર પર પ્રહાર કરવા તૈયાર થયેલા કામદેવનું સુંદર શબ્દચિત્ર છે; જ્યારે બીજા ઉદાહરણ(૪.૨૩)માં રતિ કામદેવની હિલચાલનું ચિત્ર શબ્દાંકિત કરે છે. એમાં વ્યાપાર અથવા ક્રિયાનું વર્ણન છે. આમ, સ્વભાવોક્તિ કે જાતિ અલંકારમાં વસ્તુનું તાદૃશ અને હૃદયંગમ વર્ણન હોવાથી તે સહૃદયને સંતર્પક નીવડે છે.
જાતિ કે સ્વભાવોક્તિને, કેટલાક આલંકારિકો, કાવ્યાલંકાર માનવા તૈયાર નથી; કેમ કે એમાં માત્ર વાસ્તવિક જગત જેવું છે તેવું, આલેખવામાં આવે છે. એમાં ચમત્કૃતિ શી ? ભામહ તો સ્વભાવોક્તિને વાર્તા અર્થાત્ ‘અહેવાલ’ ગણે છે(૨.૮૭) અને ‘સ્વભાવોક્તિ’ને બીજા કેટલાક આલંકારિકોએ નિરૂપેલો અલંકાર કહે છે. અર્થ તેની તે જ અવસ્થામાં રહે તેને ‘સ્વભાવ’ કહે છે. જો કે દંડી સ્વભાવોક્તિ કે જાતિ નામથી આ અલંકારની વ્યાખ્યા કરતાં કહે છે કે, પદાર્થોનાં વિવિધ અવસ્થાઓમાં રહેલાં રૂપોનું જે સાક્ષાત્ વર્ણન થાય છે તે જ સ્વભાવોક્તિ કે જાતિ (૨.૮). અને દંડીએ આ અલંકારને પોતાના ગ્રંથમાં પ્રથમ ક્રમે નિરૂપ્યો છે.૪૬ વળી દંડીના મતે સમગ્ર વાડ્મય સ્વભાવોક્તિ અને વક્રોક્તિ એ બે પ્રકારોમાં સમાઈ જાય છે(કાવ્યાદર્શ ૨.૩૬૩). પણ કુન્તકે સ્વભાવોક્તિને અલંકાર માનવા સામે ઉગ્ર વાંધો લીધો છે અને સંગીન ચર્ચા કરી વક્રોક્તિને કાવ્યજીવિત ઠેરવ્યું છે. વક્રોક્તિજીવિત(૧.૧૧ થી ૧.૧૫)માં કુન્તક કહે છે ઃ “કાવ્યાલંકાર ગ્રંથ લખનારા જે મહાનુભાવો સ્વભાવોક્તિને અલંકાર માને છે તેમને માટે અલંકાર્ય શું બચે છે ? કેમ કે, જે કંઈ કહેવાય છે તે સ્વભાવ સિવાય કંઈ નથી - સ્વભાવથી રહિત વસ્તુનું નિરૂપણ સંભવતું જ. નથી. આમ સ્વભાવોક્તિ તો કાવ્યનું શરીર છે, તે પોતે અલંકાર કેમ બને ? કોઈ પોતાના ખભે ચઢી શકે ખરો ?''
પણ હેમચન્દ્રાચાર્ય કુન્તકના આ મતનો અસ્વીકાર કરે છે અને કહે છે કે, “નિર્વિકલ્પ-પ્રત્યક્ષ જેવી કવિની પ્રતિભાથી જે વસ્તુસ્વભાવનું જેમાં વર્ણન થાય છે તે જાતિ અલંકારનો વિષય છે જ. વસ્તુઓના સામાન્ય સ્વભાવરૂપ લૌકિક અર્થ અલંકાર્ય છે એ ખરું; પણ કવિપ્રતિભાનો સક્રિય વ્યાપાર દર્શાવતો લોકોત્તર વિશિષ્ટ વિષય તો અલંકારનો જ વિષય છે.’ આ જ વાત મહિમભટ્ટે પોતાના
૫૩૭