________________
અને ૫. ચિત્ર. ભોજરાજ શબ્દના, અર્થના તથા શબ્દાર્થ ઉભયના અલંકારો માને છે અને ચોવીસ શબ્દાલંકારો વર્ણવે છે. જેમાંથી શ્લેષ યમક, અનુપ્રાસ અને ચિત્ર આપણને પરિચિત છે.
શ્રીહેમચન્દ્રાચાર્યના છ શબ્દાલંકારો
૧. ‘અનુપ્રાસ’ અલંકાર
પાંચમા અધ્યાયના પ્રથમ સૂત્ર(૧.૫)માં પ્રાચીન અને પ્રસિદ્ધ ‘અનુપ્રાસ’ અલંકારનું નિરૂપણ કરીને શ્રીહેમચન્દ્રાચાર્ય શબ્દાલંકારના નિરૂપણનો આરંભ કરે છે ઃ વ્યંગનસ્યાવૃત્તિનુપ્રાસ: || (૫.૧)
અર્થાત્ ‘વ્યંજનનું વારંવાર આવવું તે અનુપ્રાસ.’
સૂત્રમાં ‘વ્યંજન’ શબ્દ એક વચનમાં વાપર્યો છે તે વ્યંજન જાતિ માટે વાપર્યો છે. આથી, એક કે અનેક વ્યંજનોનું રસને અનુકૂળ, આવર્તન, એટલે કે વારંવાર આવવું તે, અનુપ્રાસ કહેવાય છે.
વ્યંજનોના આવા પુનરાવર્તનમાં વ્યંજનો વચ્ચે બહુ અંતર રાખવાનું હોતું નથી. વ્યંજનોની આવી ગોઠવણી(ન્યાસ) ખૂબ જ ચમત્કૃતિજનક (પ્રકૃષ્ટ) નીવડે છે.
વૃત્તિમાં ગ્રંથકાર સ્પષ્ટતા કરે છે કે એક જ વ્યંજનનું માત્ર એક જ વાર આવર્તન થાય તેમાં ખાસ સુંદરતા હોતી નથી; એથી ફલિત થાય છે કે એક જ વ્યંજનની એક કરતાં વધારે વખત આવૃત્તિ થવી જરૂરી છે. પણ અનેક વ્યંજનોનું એક જ વખત આવર્તન થાય કે અનેક વખત થાય – બન્ને ચમત્કૃતિજનક હોય છે. આ સ્પષ્ટીકરણ મુજબ અનુપ્રાસનાં અનેક વૈકલ્પિક ઉદાહરણો હોય છે; જેમ કે
ઉદા. ૪૩૩-૪૩૭.
અનુપ્રાસના આ બધા વિકલ્પોને હેમચન્દ્રાચાર્યે જુદા જુદા નામે ઓળખાવ્યા નથી; જ્યારે બીજા આચાર્યોએ અનુપ્રાસના વૃર્ત્યનુપ્રાસ તથા છેકાનુપ્રાસ એવા બે જાણીતા ભેદો વર્ણવ્યા છે. જો કે આ બધા વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ એ એક જ અલંકારના વિકલ્પો છે.
તુલનાત્મક દૃષ્ટિથી જોઈએ તો, ભામહે સમાન રૂપવાળા વર્ણોની ચમત્કૃતિજન્ય ગોઠવણીને, ‘સરૂપવર્ણવિન્યાસમ્' એવી ‘અનુપ્રાસ'ની વ્યાખ્યા આપી છે (૨.૫); જ્યારે મમ્મટે માત્ર ‘વર્ણસામ્ય’ ને ‘અનુપ્રાસ’ માનીને વ્યાખ્યા આપી છે(કા. પ્ર. ૯.૭૯); પણ વૃત્તિમાં સ્પષ્ટતા કરી છે કે સ્વર જુદા હોય તોપણ વ્યંજન સમાન હોય ત્યાં વર્ણસામ્ય છે. મમ્મટ એ વાત પર ખાસ ભાર મૂકે છે કે,
૫૦૩