________________
નવમા સૂત્ર(૪.૯)ની વૃત્તિમાં પ્રબન્ધના ઔચિત્યથી નિયત ગુણભંજક વર્ણો, સમાસ તથા રચનામાં ફેરફાર થાય છે એ મુદ્દો સ્પષ્ટ કરતાં ગ્રંથકારે આખ્યાયિકા, કથા, નાટક જેવા પ્રશિષ્ટ સાહિત્યપ્રકારોના દાખલા આપ્યા છે અને વૃત્તિના અન્ને કહ્યું છે કે, આ રીતે બીજા સાહિત્યપ્રકારોના ઔચિત્યનો ખ્યાલ રાખવો જોઈએ. આ છેલ્લા વાક્યના અનુસંધાનમાં, ‘વિવેક’ (પૃ. ૨૯૪)માં, બીજા કેટલાક પ્રશિષ્ટ સાહિત્યપ્રકારોમાં વર્ણ, રચના, સમાસ વગેરેના ઔચિત્યના વિષય અંગે ગ્રંથકારે, પૂરક, માહિતી આપી છે, જે આ પ્રમાણે છે - “મુક્તકના સાહિત્યપ્રકારમાં, રસાનુકૂલ શૈલીનો આશ્રય લેવાતો હોઈ, લાંબા સમાસવાળી રચના ઉચિત નથી. જો રસ ન હોય તો આ નિયમ નથી. સંદાનિતક વગેરે સાહિત્યસ્વરૂપોમાં વિકટબંધવાળી શૈલી ઉચિત હોવાથી, મધ્યમ સમાસવાળી અને બહુ લાંબા સમાસો જેમાં ન હોય તેવી રચના બરાબર છે. પણ પ્રબન્ધાશ્રિત મુક્તકોમાં, જે તે પ્રબંધ(સાહિત્યસ્વરૂપ)ને અનુરૂપ હોય તેવી રચના કરવી. પર્યાયબન્ધમાં પણ સમાસરહિત અને મધ્યમ સમાસવાળી રચના ઉચિત છે.
“આ ઉપરાંત, જ્યાં રૌદ્રરસ જેવા રસૌનું નિરૂપણ થયું હોય ત્યાં, ભલે સંઘટના લાંબા સમાસવાળી હોય, તોપણ, પરુષા અને ગ્રામ્યા વૃત્તિનો ત્યાગ કરવો. જો કે પરિકથાના સાહિત્યસ્વરૂપમાં કોઈ જ નિયમ નથી; કારણ કે, એમાં માત્ર ઇતિવૃત્ત(વાર્તાતત્ત્વ)ની જ ગૂંથણી હોવાથી રસનિરૂપણ માટે બહુ ઉત્સાહને અવકાશ નથી હોતો. ખંડકથા અને સકલકથા એ બે સાહિત્યસ્વરૂપો જે પ્રાકૃત ભાષામાં જાણીતાં સ્વરૂપો છે, તેમાં કુલક વગેરે પુષ્કળ આવતાં હોવાથી, લાંબા સમાસવાળી રચના સામે વાંધો ન હોઈ શકે.
૪.
જ્યાં સુધી કાવ્યના છંદોના ઔચિત્યનો પ્રશ્ન છે, કાવ્યમાં દરેક રસને અનુકૂળ છંદો યોજાવા જોઈએ. સર્ગબદ્ધ મહાકાવ્યાત્મક રચનામાં તો રસ જ સર્વસ્વ છે તેથી રસ એ જ ઔચિત્યનો માપદંડ છે. એમ ન કરો તો અનર્થ થાય. (સાહિત્યશૈલીના) જે બે માર્ગ છે તેમાં, જે કવિઓ સર્ગબંધ(મહાકાવ્ય) સર્જવા માગે છે તેમણે ૨સને જ સર્વસ્વ માની સર્જન કરવાનું છે.” આ રીતે, શ્રીહેમચન્દ્રાચાર્યનું ગુણવિવેચન પૂરું થાય છે.
૪૯૯