________________
પ્રસ્તાવના
કલિકાલસર્વશ્રીશ્રીહેમચન્દ્રાચાર્યકૃત પ્રસિદ્ધ ત્રિસ્તરીય સાહિત્ય-શાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ ‘કાવ્યાનુશાસન'ના ‘અલંકારચૂડામણિ’ વૃત્તિ તેમજ ‘વિવેક’ વ્યાખ્યા સાથેના, આ સંપૂર્ણ અધ્યયનના પ્રકાશનથી, એ ગ્રંથના સર્વગ્રાહી, વિવરણાત્મક, વિવેચનાત્મક અને તુલનાત્મક અધ્યયનની સર્વ સાહિત્યરસિકોને જણાતી ઊણપ પૂરી કરવાનું મારું સ્વપ્ન સફળ થાય છે. આ અધ્યયનગ્રંથ એ ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડીગ્રી માટે માન્ય થયેલા મારા અંગ્રેજી મહાનિબંધ પર આધારિત અને પ્રથમ ૧૯૮૭માં પ્રગટ થયેલી અને સફળ નીવડેલી પ્રથમ અંગ્રેજી આવૃત્તિની અત્યંત સંવર્ધિત પ્રથમ ગુજરાતી આવૃત્તિ છે.
અહીં પ્રસ્તુત થયેલું અધ્યયન, ‘કાવ્યાનુશાસન’ ગ્રંથનાં સૂત્રો અને ‘અલંકારચૂડામણિ’ વૃત્તિ તેમજ ‘વિવેક’ વ્યાખ્યા એ ત્રણેય ભાગો તથા એ સંપૂર્ણ ગ્રંથનાં અનેક સૈદ્ધાંતિક તથા વૈચારિક પાસાં તરફ નવા દૃષ્ટિપાતરૂપ છે. આ સાહિત્યશાસ્ત્રીય ગ્રંથનો સૈદ્ધાન્તિક આધાર બરાબર ન સમજવાને કારણે, ‘કાવ્યાનુશાસન’ને, મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ ગ્રંથના નમૂનાને અનુસરીને રચાયેલા પાઠ્યપુસ્તકરૂપ ગ્રંથ ગણવાનું વલણ દૃષ્ટિગોચર થાય છે. પરંતુ સૈદ્ધાન્તિક દૃષ્ટિબિંદુથી,‘કાવ્યાનુશાસન' એ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની કાશ્મીરદેશીય પરંપરાનો તેમજ રસધ્વનિસિદ્ધાન્તના ક્ષેત્રનો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ છે. આ અધ્યયનગ્રંથમાં કાવ્યાનુશાસનની તમામ સૈદ્ધાન્તિક તથા સંગ્રહાત્મક (પ્રકીર્ણ) વિષયસામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને મને એ કહેતાં આનંદ થાય છે કે આ અધ્યયન એક નવા અભિગમથી થયું છે જેને પરિણામે એ વાત સ્પષ્ટ બની છે કે, ‘કાવ્યાનુશાસન’ એ ધ્વનિસંપ્રદાયની શ્રેષ્ઠ પરંપરામાં રચાયેલો ગ્રંથ છે અને નાટ્યશાસ્ત્ર તથા ભારતીય કાવ્યશાસ્ત્રના ઉચ્ચ કક્ષાના, પ્રમાણભૂત ગ્રંથનો દરજ્જો ‘કાવ્યાનુશાસન’ને આપવો ઘટે છે. વસ્તુતઃ, આ ગ્રંથની સિદ્ધાન્તનિષ્ઠા એને ધ્વનિ મતના પ્રાચીન ઇતિહાસના સીમાચિહ્નરૂપ ગ્રંથ ઠેરવે છે અને કોઈપણ માપદંડથી આ ગ્રંથ આનંદૃર્ધન તથા અભિનવગુપ્તની સાહિત્યમીમાંસાનો અગ્રગણ્ય પ્રતિનિધિ બની રહે છે. જેમ મમ્મટનો કાવ્યપ્રકાશ એ રસધ્વનિ મતનો પ્રમાણભૂત ગ્રંથ છે તેમ જ ‘કાવ્યાનુશાસન’ પણ રસધ્વનિ મતનો પ્રમાણભૂત પ્રાચીન ગ્રંથ છે. અંગ્રેજી આવૃત્તિનો પ્રેરક ઉપોદ્ઘાત આ ક્ષેત્રના પ્રતિષ્ઠિત તથા વયોવૃદ્ધ વિદ્વાન ડૉ. વિ. એમ. કુલકર્ણીએ લખ્યો હતો, જે અંગ્રેજી ગ્રંથની અધિકૃત પ્રસ્તાવના બની રહ્યો હતો. એ યાદગાર ઉપોદ્ઘાતનો સારાંશ અન્યત્ર
4