________________
પ્રબંધના સંદર્ભમાં, વિભાવોનું ઔચિત્ય, અનુભાવોનું ઔચિત્ય, સ્થાયી ભાવોનું
ઔચિત્ય, સંચારી ભાવોનું ઔચિત્ય વગેરેનું વૃત્તિમાં વિવરણ કર્યું છે અને જણાવ્યું છે કે, “ભાવોનું ઔચિત્ય પ્રકૃતિ – ઔચિત્યથી આવે છે. પ્રકૃતિના ભેદ બે રીતે પાડી શકાય. એક તો ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ભેદ, અને બીજા ૧. દિવ્ય ૨. અદિવ્ય અને ૩. દિવ્યાદિવ્ય એવા ત્રણ ભેદ. એ પ્રકૃતિને અનુસરીને કવિ જો સ્થાયી ભાવનું નિરૂપણ કરે.... તો એ સ્થાયીભાવ ઔચિત્યપૂર્ણ કહેવાય. પણ જો કેવળ મનુષ્ય પાત્ર માટે દિવ્ય પાત્રોના જેવા કાર્યો કરાવવામાં આવે અથવા કેવળ દિવ્યપાત્રો પાસે મનુષ્ય પાત્રોમાં હોય છે તેવા ઉત્સાહ વગેરે સ્થાયી ભાવોનું આલેખન કરવામાં આવે તો તે અનુચિત ગણાય. વળી, કેવળ મનુષ્ય રાજા વગેરેના નિરૂપણમાં સાત સમુદ્રનું ઉલ્લંઘન જેવાં કાર્યો કરાવવામાં આવે તો તે સુંદર હોય તોયે નીરસ બની જાય છે. આનું કારણ અનૌચિત્ય જ છે. કોઈ પૂછે સાતવાહન વગેરે રાજાઓ નાગલોકમાં ગયા હતા એવી અનુશ્રુતિ છે; તો, આવા, આખી પૃથ્વીના રક્ષક – પોષક રાજાઓના અલૌકિક પ્રભાવનું વર્ણન કરવામાં અનૌચિત્ય શાનું ? જવાબ છે - એમાં અનૌચિત્ય નથી જ. ... માત્ર કેવળ માનુષ પાત્રોમાં દિવ્યપાત્રોનું ઔચિત્ય ન યોજવું - દિવ્ય પાત્રો જ કરી શકે તેવાં કાર્યો ન કરાવાં. પણ, દિવ્યાદિવ્ય(દિવ્ય-માનુષ) પાત્રોની કથામાં દિવ્યાદિવ્ય ઔચિત્ય યોજવામાં દોષ નથી; જેમ કે પાંડવોની કથામાં. પણ સાતવાહન આદિમાં તો કથા મુજબ જ વર્ણન કરવું એ જ ઉચિત છે. એથી વિશેષ વર્ણન કરવાથી અનૌચિત્ય- દોષ આવે.(વિવેક, પૃ. ૧૭૭)
આનંદવર્ધનના આ છેલ્લા વાક્ય વિશે લોચન(પૃ. ૩૩૧)માં અભિનવગુપ્ત ટિપ્પણ કરે છે : “ભાવાર્થ આ પ્રમાણે છે. (સાતવાહન વગેરે વિશે) શિષ્યો કે સહૃદયોની પ્રતીતિ ખંડિત ન થાય તેવું વર્ણન કરવું. ત્યાં કેવળ મનુષ્ય પાત્ર એકદમ સાત સાગર પાર કરે તે વાત અસંભવિત હોવાથી અસત્ય લાગે તેવી છે; તેથી કાવ્યધારા જે ચતુર્વર્ગનો ઉપદેશ થાય છે, તેની વાત પણ શિષ્યના મનમાં અસત્ય ઠરે છે. રામ વગેરેનું તો એ પ્રકારનું ચરિત્ર પૂર્વપ્રસિદ્ધ પરંપરાથી મનમાં ઠસી ગયેલું હોઈ અસત્ય લાગતું નથી. એટલે, રામાદિનો પણ જ્યારે બીજો પ્રભાવ કલ્પાય છે ત્યારે તે પણ તેમ જ (અસત્ય લાગે છે.) ટૂંકમાં, અસંભવ લાગતાં વર્ણનો ન કરવાં.” (વિવેક, પૃ. ૧૭૮)
૪૦૧