________________
(‘fક્ષvો દસ્તાવના:' એ શ્લોકમાં) પણ, શંકરના બાણને અગ્નિ, ત્રિપુર યુવતીઓ સાથે તાજો જ અપરાધ કરેલા કામીના જેવો વ્યવહાર કરે છે તેથી તે કામીના વર્તનનું સ્મરણ, શ્લોકમાંના કરુણરસને પુષ્ટ કરે છે, અને એ રીતે વિરોધ રહેતો જ નથી. આમ હવે, ઉદાહરણ ૧૯૭માં રજૂ થતા, વ્રતક્ષતાનિંએ પ્રતીકવાળા શ્લોકમાં પણ શૃંગારરસ એ શાન્તરસનું અંગ બને છે. આ શ્લોકનો સંદર્ભ એવો છે કે, કોઈ ભૂખી સિંહણ પોતાનાં બચ્ચાંને ખાઈ જવા તત્પર બને છે ત્યારે, બોધિસત્ત્વ બચ્ચાંને બચાવવા પોતાનો દેહ એ સિંહણને અર્પણ કરી દે છે અને સિંહણ દાંત અને નખના ઘા કરીને બોધિસત્ત્વને લોહીલુહાણ કરી નાખે છે. આ જોઈને કોઈ બોલી ઊઠે છે કે, “આપના અતિશય રોમાંચ અનુભવતા શરીર પર રક્તમનવાળી (લોહીતરસી; પ્રેમાસક્ત) સિંહણે દાંતથી કરેલા ઘા અને નખથી કરેલા ચીરા, જેમના મનમાં આપના જેવું જ બલિદાન આપી ધન્ય થઈ જવાની સ્પૃહા જન્મી છે તેવા મુનિઓએ જોયા.” આ શ્લોકમાં, દંતક્ષત, રોમાંચ, રક્તમન, સ્પૃહા વગેરે શબ્દોના બબ્બે અર્થ થાય છે અને તેમાંથી એક અર્થ સંભોગ શૃંગારપરક છે; જ્યારે બીજો અર્થ બોધિસત્ત્વનાં દેહદાનની, દયાની તથા બલિદાનની અનુપમતા દર્શાવે છે. આ શ્લોકના ટિપ્પણમાં ગ્રંથકાર કહે છે કે, “જેમ કોઈ માણસ ઘણા ઘણા મનોરથોને પૂરા કરનાર, પ્રિયતમાના સમાગમ પ્રાપ્ત કરીને ગાઢા રોમાંચ અનુભવૅ છે તેમ બોધિસત્ત્વ બીજાના ભલા માટે પોતાનું શરીર અર્પણ કરીને રોમાંચ અનુભવે છે; અને, આ રીતે શૃંગારરસ વડે શાન્તરસ પુષ્ટ થાય છે. પણ, હવે પછી આવતા રઘુવંશ(૧૧.૨૦)ના રામમન્મથશરેખ૦ એ શ્લોક(ઉદા. ૧૯૮)માં બને છે તેમ, કાવ્યના મુખ્ય રસને હાનિ કરે તેવી રીતે વિરોધી રસ કાવ્યમાં ઉપસી આવે ત્યારે રસપ્રતિકૂલ્યનો દોષ થાય છે. રઘુવંશના આ શ્લોકમાં, “રામરૂપી કામદેવના અસહ્ય બાણથી જેનું હૃદય વીંધાઈ ગયું છે તેવી રાક્ષસી(તાડકા, શરીરે રુધિરરૂપી ચંદન લગાડીને, યમરાજને ત્યાં ગઈ એવું રામદ્વારા તાડકાનો વધ થયો તેનું વર્ણન છે. પણ આ વર્ણન કવિએ એવી રીતે કર્યું છે કે એ વાંચીને, શ્લેષયુક્ત શબ્દો મારફતે, આપણને, શરીરને સુંદર સજાવટ કરીને પોતાના પ્રેમીને મળવા જતી સ્ત્રીનું ચિત્ર દેખાય છે. આમ આ શ્લોકનો તાકડાવધનો કરુણરસ, આક્રમક શૃંગારરસથી ઝાંખો નબળો પડી જાય છે; ઉત્કર્ષ સાધતો નથી. એટલે જ ગ્રંથકાર આ શ્લોકમાં પોતાનું અવલોકન નોંધે છે કે, “અહીં પ્રકૃતિ(મુખ્ય) કરુણરસનો, શૃંગારરસ વિરોધી છે(અંગરૂપ નથી); તેથી હે કરુણને પુષ્ટ કરતો નથી એ દોષ છે.”
૩૮૬