________________
અર્થાત્ “૧.જ્યાં વ્યંગ્ય કે ધ્વનિ, વાચ્યાર્થ કરતાં નિઃશંક વધારે પ્રાધાન્યવાળો નથી હોતો, ૨. જ્યાં વ્યંગ્ય કે ધ્વનિની પ્રધાનતા સંદિગ્ધ(સંશયાત્મક) છે, અને ૩. જ્યાં વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ કે ધ્વનિ જેટલું જ(તુલ્ય) પ્રાધાન્ય ધરાવે છે તેવું મધ્યમ કાવ્ય, ત્રણ પ્રકારનું હોય છે.”
વૃત્તિમાં સૂત્રાર્થ સમજાવતાં ગ્રંથકાર કહે છે: “કાવ્યમાં વ્યંગ્યાર્થ કે ધ્વનિનું ૧. પ્રધાન્ય ન હોય (અસતિ - પ્રાધાન્ય), ૨. પ્રાધાન્ય શંકાસ્પદ હોય (સંદિગ્ધ પ્રાધાન્ય), કે ૩. વાચ્યાર્થ વ્યંગ્યાર્થ જેટલો જ પ્રધાન હોય (તુલ્ય પ્રધાન્ય), ત્યારે તે ત્રણેય પ્રકારનાં કાવ્ય “મધ્યમકાવ્ય' કહેવાય છે.”
આપણે જોઈ શકીએ છીએ કે ગ્રંથકારે ઉત્તમ કાવ્યમાં વ્યંગ્યનું કે ધ્વનિનું સર્વોપરિ પ્રાધાન્ય જરૂરી ગયું છે. જ્યારે અહીં મધ્યમકાવ્યમાં વ્યંગ્યાર્થ કે ધ્વનિનું પ્રાધાન્ય ન હોય, પ્રાધાન્ય શંકાસ્પદ હોય કે વાચ્યાર્થનું વ્યંગ્યાર્થતુલ્ય પ્રાધાન્ય હોય તો પણ ચાલે એવો અભિગમ ગ્રંથકાર દાખવે છે. એનો અર્થ એ થયો કે મધ્યમ કાવ્યમાં વ્યંગ્યાર્થ ગૌણ હોય છે. આથી જ બીજા ગ્રંથકારો મધ્યમકાવ્યને ગુણીભૂતવ્યંગ્ય કાવ્ય કહે છે. દાખલા તરીકે, મમ્મટે “કાવ્યપ્રકાશ'(૧.૪)માં ઉત્તમ કાવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, “કાવ્યમાં જ્યારે વ્યંગ્યાર્થ(ધ્વનિ) વાચ્યાર્થ કરતાં ચઢિયાતો હોય ત્યારે તે ઉત્તમ કાવ્ય ગણાય છે અને વિદ્વાનો એને ધ્વનિકાવ્ય કહે છે. “પછી, મધ્યમકાવ્યની વ્યાખ્યા કરતાં મમ્મટ કહે છે કે, “જેમાં વ્યંગ્યાર્થ(ધ્વનિ) પ્રધાન ન હોય પણ વ્યંગ્ય ગૌણ બની ગયું હોય(ગણીભૂતવ્યંગ્ય) તે મધ્યમકાવ્ય કહેવાય છે”(કા. પ્ર. ૨.૫). આનો અર્થ એ કે મધ્ય કાવ્યમાં વ્યંગ્યાર્થ, વાચ્યાર્થ કરતાં ચઢિયાતો નથી હોતો. અને વ્યંગ્યાર્થ વાચ્યાર્થ કરતાં ચઢિયાતો ન હોય ત્યારે શું થાય? ૧. કાં તો કાવ્યમાં વ્યંગ્યાર્થ પ્રધાન જ ન હોય, પણ ગૌણ હોય. ૨. અથવા વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય શંકાસ્પદ હોય, અને કાં તો વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય એકસરખુંતુલ્યો હોય. આમ હેમચન્દ્રાચાર્યની દૃષ્ટિએ ગુણીભૂતવ્યંગ્યકાવ્ય ત્રણ પ્રકારનું હોઈ શકે છે.
મધ્યમકાવ્યને ત્રણેય પ્રકારનાં ગ્રંથકારે “વૃત્તિમાં સવિવરણ ઉદાહરણો આપ્યાં છે અને વિવેકમાં ઉદાહરણો સાથે પૂરક ચર્ચા પ્રસ્તુત કરી છે('વિવેક' પૃ. ૧૫૨-પ૬).
૩૫૮