________________
તેથી, સ્થાયીરૂપ ચિત્તવૃત્તિઓના સૂત્રમાં પરોવાયેલા રહીને જ આ (વ્યભિચારીભાવો), ઉદય અને અસ્તના બનેલા સેંકડો-હજારો સૌદર્યધર્મોવાળા પોતાના સ્વરૂપને પામે છે(પોતે અનેરી શોભા ધારણ કરે છે, અને સ્થાયીભાવની સુંદરતા અર્પતા પ્રતિભાસિત થાય છે. આથી જ તે વ્યભિચારીભાવો કહેવાય છે. જેમ કે, “આ માણસ ગ્લાનિયુક્ત છે એમ કહેવાતાં “શાથી?” એવો હેતુપ્રશ્ન થાય છે, તેથી તેની (વ્યભિચારી ભાવની) અસ્થાયિતા(સ્થાયીભાવ ન હોવાની હકીકત) સૂચિત થાય છે. પણ, “રામ ઉત્સાહશક્તિવાળો છે એમાં (શાથી? એવો) હેતુપ્રશ્ન પૂછવાનું કોઈ કહેતું નથી. આથી જ વિભાવો તે ઉત્સાહ વગેરે સ્થાયીભાવના ઉદ્ધોધક થઈને, એમના સ્વરૂપનું ઉપરંજન કરતા રહીને, રતિ, ઉત્સાહ વગેરે સ્થાયીભાવોની ઉચિતતા કે અનુચિતતા સાધી આપે છે. પણ તેમના(વિભાવાદિના) અભાવમાં તે (સ્થાયીઓ) બિલકુલ નિરૂપાખ(અસ્તિત્વ વિનાના) નથી બની જતા. કારણ, વાસનારૂપે એ સ્થાયીભાવોથી બધાં જ પ્રાણીઓ યુક્ત છે એવું કહેવાઈ ગયું છે. જયારે વ્યભિચારીભાવોનું તો પોતાના વિભાવના અભાવમાં નામનિશાન પણ નથી હોતું. રત્યાદિ નવ સ્થાયીભાવોની સમજૂતી ૧. પરસ્પર આસ્થાબંધરૂપ સ્થાયીભાવો રતિ કહેવાય છે. ૨. ચિત્તનો વિકાસ એ હાસ કહેવાય છે. ૩. હૃદયનો વિક્ષોભ(વૈધુર્ય) એ શોક કહેવાય છે. ૪. તીક્ષ્ણતા દર્શાવવી અથવા તીખી વાણીથી ચેતવવું એ ક્રોધ કહેવાય છે. ૫. અથાક પ્રવૃત્તિ કે ઉદ્યમી વર્તન એ ઉત્સાહ કહેવાય છે. ૬. ગભરાટ કે વિકલતા એ ભય કહેવાય છે. ૭. મનનું સંકોચાવું કે અણગમો થવો એ જુગુપ્સા કહેવાય છે. ૮. ચિત્તનો વિસ્તાર એ વિસ્મય કહેવાય છે. ૯. તૃષ્ણાઓ અર્થાત્ અભિલાષાઓ પૂરેપૂરી સમાપ્ત થઈ જવી તે શમ
કહેવાય છે.
સ્થાયી ભાવોની સમજૂતી આપ્યા પછી, ગ્રંથકાર, વૃત્તિમાં જણાવે છે કે, “રસની વ્યાખ્યા આપી ત્યારે સ્થાયી ભાવોના સ્વરૂપનું વર્ણન કર્યું છે તોપણ, એ સ્થાયી ભાવો ક્યાંક વ્યભિચારી ભાવોનું રૂપ પણ લે છે એ બતાવવા ફરીથી અહીં નિર્દેશ કરવામાં આવે છે. ક્યારેક, કેટલાક સ્થાયી ભાવો, જ્યારે પૂરતા વિભાવાદિથી રહિત હોય છે અને પૂરેપૂરા ખીલવવામાં આવ્યા નથી હોતા ત્યારે તેમને
૩૩૮