________________
વૃત્તિમાં આ નવ સ્થાયી ભાવોનું સ્વરૂપ વર્ણવતાં ગ્રંથકાર, નાટ્યશાસ્ત્રના છઠ્ઠા અધ્યાયમાં “રસસૂત્ર' પરની “અભિનવભારતી' ટીકામાં છઠ્ઠા રસવિઘ્ન ‘અપ્રધાનતા'ની ચર્ચા દરમિયાન, અભિનવગુપ્ત સ્થાયી ભાવોનું જે મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ કર્યું છે તેનો આધાર લઈને, આ પ્રમાણે કહે છે: “જન્મથી જ પ્રાણી આટલી સંવિદો (જન્મજાત વૃત્તિઓ, વાસનાઓ કે ચિત્તવૃત્તિઓ)થી વીંટળાયેલો હોય છે. જેમ કે, દુઃખનો તિરસ્કાર કરનાર અને સુખના અનુભવની ઇચ્છાવાળા બધા જ જીવો રમણ કરવાની ઇચ્છા(રિસા) કે ભોગવવાની ઇચ્છા કે રતિભાવથી વ્યાપ્ત હોય છે(રતિ). પોતાની જાતને ઊંચી માની તે બીજાને હસે છે(હાસ). પોતાના ઉત્કર્ષને હાનિ થવાની બીકથી શોક કરે છે(શોક). અવરોધ કે અડચણ પ્રત્યે ગુસ્સો કરે છે(ક્રોધ). અડચણનું કારણ દૂર કરવામાં ઉત્સાહ ધરાવે છે (ઉત્સાહ). વિનિપાત (પડતી)થી ડરે છે (ભય). કશુંક અયોગ્ય કે અણગમતું માનીને જુગુપ્સા(વિમુખતા) અનુભવે છે(જુગુપ્તા). તે તે પોતાનાં અને પારકા વૈચિત્ર્યોથી ચકિત થઈ વિસ્મય દાખવે છે(વિસ્મય). અને કંઈક ત્યજવાની ઇચ્છાથી સંસારમાં વૈરાગ્ય થવાથી શમ(વૃત્તિ) ધારણ કરે છે(શમ). આ બધી ચિત્તવૃત્તિરૂપી વાસનાથી કોઈ જીવ રહિત હોતી નથી. હા, કોઈમાં કોઈક ચિત્તવૃત્તિ વધારે હોય છે તો કોઈમાં કોઈ ચિત્તવૃત્તિ ઓછી હોય છે. તો તેમાંથી કેટલીક જ ચિત્તવૃત્તિઓ (ધર્માદિ) પુરુષાર્થો માટે ઉપયોગી હોય છે તેથી તેમને વિશે માહિતી આપવી જરૂરી છે. તેમના વિભાગો(પ્રકારો)ને લઈને જ “ઉત્તમ પ્રકૃતિ' (નાયક) વગેરે વ્યવહારો થાય છે.”
બીજી જે આ ધૃતિ વગેરે ચિત્તવૃત્તિઓ છે તે યોગ્ય વિભાવો(કારણો)ના અભાવને લીધે જન્મમાં પણ નથી થતી. એટલે તે વ્યભિચારી ભાવો કહેવાય છે. જેમ કે, રસાયણોનો ઉપયોગ કરનાર માણસને ગ્લાનિ, આળસ, શ્રમ વગેરે (મનોદશાઓ) જન્મતી જ નથી. અને જે કોઈ માણસને તે (મનોભાવો) વિભાવ(કારણ)ના બલથી થાય છે તેને પણ, હેતુનો નાશ થતાં તે મનોભાવ ક્ષીણ થવાથી, એ ભાવો અવશ્યપણે, સંસ્કારોરૂપે, (પાછળ) રહેતા નથી. જ્યારે રતિ વગેરે (સ્થાયી ભાવો) તો પોતાનું કાર્ય પૂરું થયું હોવાથી ખૂબ આછોપાતળા થવા છતાં પણ તેમના સંસ્કારો બિલકુલ જતા રહેતા નથી. કેમ કે, બીજી વસ્તુને વિશે રતિ વગેરે ભાવો ખંડિત થતા નથી. જેમ કે પતંજલિએ કહ્યું છે, “ચૈત્ર એક સ્ત્રીમાં આસક્ત કે અનુરાગયુક્ત છે તેથી તે બીજી સ્ત્રીઓ વિશે વિરક્ત છે એમ નથી.”(વ્યાસભાષ્ય, યોગસૂત્ર ૨.૪, પૃ. ૬૦),
૩૩૭
૨ ૨