________________
અને તેને હવે ઉલ્લેખ થાય છે કેમ કે, અર્થ અને કામ એ બે(પુરુષાર્થો)નો આધાર ધર્મ છે. વળી, વીરરસ ભયને દૂર કરે છે તેથી, સૂત્રમાં ભયાનકરસનો વીરરસ પછી ઉલ્લેખ થયો છે. ડરેલા માણસને અભય(રક્ષણ) પ્રદાન કરવાની વીરોની પ્રકૃતિ જાણીતી છે. ભયાનકરસના વિભાવો, બીભત્સરસના પણ વિભાવો હોય છે. તેથી ભયાનકરસ પછી તરત જ બીભત્સરસ આવે છે. વીરરસ છેવટે અદ્ભુત પરાક્રમો ઊપજાવે છે તેથી હવે અદ્ભુતરસનો ઉલ્લેખ જરૂરી બને છે. આ આઠ રસ, માનવજીવનના પ્રથમ ત્રણ પુરુષાર્થો (ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ) પર અવલંબે છે જેમનું લક્ષણ છે પ્રવૃત્તિ. પણ હવે પછી ઉલ્લેખ પામતો નવમો રસ - શાન્તરસ તો ત્રિવર્ગરૂપ પ્રવૃત્તિલક્ષણથી વિપરીત નિવૃત્તિલક્ષણવાળો છે અને મોક્ષરૂપ ચોથો પુરુષાર્થ એ એનું ફળ છે.
આ નવ રસો સ્વરૂપથી પરસ્પરથી સ્પષ્ટતઃ ભિન્ન છે અને કેવળ એ નવ જ રસો છે. એટલે આદ્રતા નામના સ્થાયી ભાવવાળો “સ્નેહ' નામનો જુદો રસ કેટલાક ગણાવે છે તે વાત ખોટી છે. કેમ કે સ્નેહનો ‘રતિ' એ સ્થાયી ભાવમાં અંતર્ભાવ થાય છે. સ્નેહ, ભક્તિ, વાત્સલ્ય એ “રતિના'(પ્રેમના) જ પ્રકારો છે કે રૂપો છે. વળી, સ્નેહનાં આલંબનો પણ જુદાં જુદાં હોય છે. જેમ કે, યુવાનનો મિત્ર માટેનો પ્રેમ એ રતિ જ છે; રામનો લક્ષ્મણ પરનો સ્નેહ એ ધર્મવીરનો પ્રકાર છે. અને બાળકના માતાપિતા પ્રત્યેનો સ્નેહભાવ એ ભયાનકરસનો પ્રકાર છે. કેમ કે માતાપિતા પ્રત્યેના પ્રેમનો આધાર ભય છે ! એવી જ રીતે વૃદ્ધનો પુત્રાદિ માટેનો સ્નેહ પણ ભય પર આધારિત છે તેથી તેને ભયાનકનો જ એક પ્રકાર માનવો પડે. આ મનોવૈજ્ઞાનિક રીતે થયેલું નિરૂપણ છે જે માનવસ્વભાવ અને માનવીની સહજ વૃત્તિઓનું સૂક્ષ્મ અવલોકન કરવાથી સમજાઈ જાય છે; જરા પણ વિચિત્ર જણાતું નથી. ફ્રોઈડ વગેરે આધુનિક મનોવિજ્ઞાનીઓની વિચારણાથી આ સ્પષ્ટીકરણને પુષ્ટિ મળે છે. વધારાના રસો અસ્વીકાર્ય છે
કેટલાક વિચારકો લૌલ્યને સ્વતંત્ર રસ માને છે અને ગર્ધને એનો સ્થાયી ભાવ ગણે છે. પણ વૃત્તિમાં શ્રી હેમચંદ્રાચાર્યે એ વાત અસ્વીકાર્ય ગણી છે, કેમ કે લૌલ્ય એ હાસનું જ બીજું રૂપ છે, એમાં ઉપહાસનો ભાવ રહેલો છે. વધુમાં વધુ તો આ ભાવનો પરિગ્રહની ઇચ્છામાં કે કેવળ લોભમાં જ સમાવેશ કરી શકાય. આ જ વાત ભક્તિને પણ લાગુ પડે છે.
૩૦૬