________________
અભિનવગુપ્તના મહાન ગુરુ અને “કાવ્યકૌતુક' નામના, હાલ અપ્રાપ્ય ગ્રંથના કર્તા, ભટ્ટતૌતે પણ, શ્રીશંકુકના મતની સમીક્ષા પ્રસંગે મૂલ્યવાન વિચારો પ્રગટ કરીને રસવસિદ્ધાન્તના વિકાસમાં સહાય કરી છે. અભિનવભારતી'માં સમાવિષ્ટ રસવિવેચન
અભિનવગુપ્તરચિત નાટ્યશાસ્ત્રની પ્રસિદ્ધ ટીકા “અભિનવભારતી'માં ભરતમુનિના રસસૂસ્ત્રના અર્થઘટનરૂપે ભટ્ટલલ્લટ, શ્રીશંકુક, ભટ્ટનાયક અને અભિનવગુપ્તનાં રસાનુભવ વિશેનાં મંતવ્યો, શ્રીહેમચન્દ્રાચાર્યનાં માર્ગદર્શક ટિપ્પણો સાથે, નિષ્ઠાપૂર્ણ પરિશીલન દ્વારા જાણવાં ખૂબ જ રસપ્રદ છે. લોલ્લટની રસમીમાંસા
ભટ્ટલોલ્લટે રસસૂત્રની આ પ્રમાણે સમજૂતી આપી છે : “વિભાવાદિ સાથે, (રસસૂત્રમાં ન ઉલ્લેખાયેલા) સ્થાયી ભાવોનો સંયોગ થવાથી રસનિષ્પત્તિ થાય છે. અહીં વિભાવ એ સ્થાયી ચિત્તવૃત્તિની ઉત્પત્તિમાં કારણ છે. રસસૂત્રમાં જે અનુભાવો કહ્યા છે તે રસજન્ય અનુભાવો નથી; કેમ કે, (એ અનુભાવો હોવાથી) તેમને રસનાં કારણ ગણી ન શકાય. બલકે, એ તો ભાવોના અનુભાવો છે. વ્યભિચારી ભાવો પણ ચિત્તવૃત્તિરૂપ હોવાથી, ચિત્તવૃત્તિરૂપ) સ્થાયી ભાવની સાથે સાથે (ચિત્તમાં) રહી શકે નહીં; છતાં સ્થાયી મોજૂદ હોય છે. અહીં સ્થાયી ભાવનું વાસનાત્મક, સંસ્કારાત્મક રૂપ સમજવાનું છે. આમ, વિભાવાનુભાવાદિથી ઉપચિત થયેલો સ્થાયી ભાવ તે જ રસ છે. એ જ્યારે અનુપચિત હોય ત્યારે સ્થાયી કહેવાય. એ(રસ) બન્નેમાં રહેલો હોય છે - મુખ્યત્વે તે રામાદિ અનુકાર્ય(મૂળ પાત્ર)માં રહેલો હોય છે; અને રામાદિના રૂપના અનુસંધાનના બળે તે અનુકર્તા નટમાં પણ જણાય છે. જેમ કે, દંડીએ કહ્યું છે કે :
“રૂપબાહુલ્યને લીધે એટલે કે બીજાં ઘણાં તત્ત્વોથી પરિપષ પામતાં રતિ શૃંગાર રસની કક્ષાએ પહોંચે છે.” અને “પરાકોટિએ પહોંચતાં ક્રોધ રૌદ્રરસ બને છે” (અવતરણ- કાવ્યાદર્શ, ૨-૨૮૧, ૨૮૩)
લોલ્લટના મતનો સાર સમજાવતાં ગ્રંથકાર કહે છે: “વિભાવો વડે ઉત્પન્ન કરાયેલો, અનુભાવ વડે પ્રતીતિયોગ્ય બનેલો અને વ્યભિચારી ભાવોથી ઉપસ્થિત થયેલો (પરિપોષ પામેલો કે પુષ્ટ થયેલો), મુખ્યવૃત્તિથી, અનુકરણીય રામમાં(મૂળ પાત્રમાં) પણ પછી, અભિનયદ્વારા તેના રૂપના અનુસંધાનના બળે (એટલે કે સમાન રૂપના બળે) અનુકર્તા નટમાં પ્રતીત થતો સ્થાયી ભાવ એ જ રસ છે.”
૨૭૭