________________
વિવેકનું આ વિવરણ, ધ્વન્યાલોકના બીજા ઉદ્યોતની ત્રીજી કારિકા(૨.૩) પર, અભિનવગુપ્ત લોચન' ટીકા(પૃ. ૧૭૫-૧૭૯)માં જે વિવેચન કર્યું છે તેના સંકલિત અંશોનું બનેલું છે તે સ્પષ્ટ છે. અભિનવગુપ્ત રસધ્વનિ, ભાવધ્વનિ, ભાવોદય, ભાવસ્થિતિ, ભાવશાંતિ, ભાવસંધિ, ભાવશબલતા, રસાભાસ વગેરેનું સદષ્ટાંત, સવિસ્તર વિવેચન કર્યું છે; પણ “વિવેક'માં તેનો સારાંશજ પ્રસ્તુત થયો છે.
આમ, સૂત્ર(૧.૨૫), તેની વૃત્તિ તથા “વિવેક' વ્યાખ્યામાં રસાદિની વ્યાખ્યા આપીને હવે ગ્રંથકાર પદવ્યંજકતાનાં ઉદાહરણો આપે છે. આમ તો વસ્તુધ્વનિની અને અલંકાર ધ્વનિની માફક રસધ્વનિ પણ પદ, વાક્ય અને પ્રબંધમાં થાય છે. પણ પચીસમા સૂત્રની વૃત્તિના ઉપસંહારમાં ગ્રંથકાર જણાવશે કે પદની રસભંજકતાનાં દૃષ્ટાન્તો આપ્યા પછી વાક્યની રસભંજકતાનાં દૃષ્ટાન્તો, વૃત્તિમાં આપવાં જોઈએ; પણ એ પ્રકારનાં દૃષ્ટાન્તો આ ગ્રંથને બીજા અધ્યાય(રસાધ્યાય)માં આપવામાં આવશે. તેથી અહીં વાક્યગત ઉદાહરણો આપ્યાં નથી. જ્યાં સુધી પ્રબંધગત રસભંજકતાનાં ઉદાહરણોનો સંબંધ છે. એ ઉદાહરણો નાટક, મહાકાવ્ય વગેરે ગ્રંથોમાં મળી રહે છે, એટલે એ ઉદાહરણો અહીં આપ્યાં નથી. અને વર્ષોની રચના તો માધુર્ય વગેરે ગુણોની સાક્ષાત્ વ્યંજક હોય છે જ. એ વર્ણરચના ગુણોની વ્યંજક થઈને, ગુણોદ્વારા રસાભિવ્યક્તિમાં ઉપયોગી બને છે; એ વાત ગુણ વિશેના પ્રકરણ (ચોથા અધ્યાય)માં જ કહેવામાં આવશે. એટલે અહીં એ વર્ણરચનાની વ્યંજકતા વિષે વિવેચન કર્યું નથી. પદાદિની વ્યંજકતા
આ સંજોગોમાં સૂત્ર પચીસની વૃત્તિમાં ગ્રંથકારે પદ વડે, પદાશ વડે, ક્રિયાપદના પ્રત્યય વડે, નિપાત વડે, પ્રકૃતિ વડે, પ્રકૃત્યંશ વડે, ઉપસર્ગ વડે, પ્રત્યય વડે, પ્રત્યયાંશ વડે એમ વિવિધ રીતે સૂચિત થતા રસધ્વનિનાં અનેક ઉદાહરણો આપ્યાં છે.
શરૂઆતમાં જ હેમચન્દ્રાચાર્ય પમ્પની એ સુંદર શ્લોક પદની રસભંજકતાના ઉદાહરણ(૮૧) તરીકે પ્રસ્તુત કરે છે. આ જ શ્લોક ધ્વન્યાલોક(૩.૪ની વૃત્તિ)માં પદપ્રકાશ્ય અસંલક્ષ્યક્રમધ્વનિના ઉદાહરણ તરીકે ઉદ્ધત થયો છે. તાપસવત્સરાજ' નાટક(૨.૧૬)માં આવતા આ શ્લોકનો સંદર્ભ એ છે કે વત્સરાજ ઉદયનની પ્રિય રાણી વાસવદત્તા આગમાં બળી મરી છે એવા સમાચાર રાજાના મંત્રીઓએ ફેલાવ્યા છે, તેને સાચા માનીને રાજા વિલાપ કરે છે. એ હૃદયદ્રાવક વિલાપનાં વચનો કવિએ આ શ્લોકમાં રજૂ કર્યા છે :
૨૪૯