________________
પતિસમાગમમાં જતો ન હતો; તેથી તેમને કેવળ શણગાર સજવાનું જ કામ રહેતું. આ જૂની પત્નીઓનું અતિશય દુર્ભાગ્ય બતાવે છે. ગર્વ તો બાલિશતા અને અવિવેકીપણાથી પણ હોઈ શકે છે. એટલે અહીં વ્યંગ્યાર્થ વાચ્ય બની ગયો છે એમ નથી. આ વ્યંગ્ય અર્થ જેમ જેમ પ્રતીત થતો જાય છે તેમ તેમ શિકારીની નવી વહુ(વ્યાધવધૂ)ના સૌભાગ્યની અતિશયતા જ સૂચવાય છે.
આ જ પદ્યને આનંદવર્ધને ધ્વન્યાલોકના ત્રીજા ઉદ્યોતમાં અર્થશક્તિમૂલવ્યંગ્યનો ‘સ્વતઃસંભવી’ પ્રકાર વાક્યમાંથી પ્રગટ થતો હોય તેના ઉદાહરણરૂપે ઉદ્ધૃત કર્યું છે અને વૃત્તિમાં એની સમજૂતી પણ આપી છે ઃ ''આ વાક્ય વડે, કાનમાં મોરનું પીછું પહેરીને ફરતી કોઈ નવી જ પરણેલી, શિકારીની પત્નીનું અધિક સૌભાગ્ય સૂચવાય છે. કેમ કે, માત્ર એક નવી વહુના જ પ્રેમમાં ડૂબેલો એનો પતિ ફક્ત મોરનો જ શિકાર કરી શકે એવો રહ્યો છે. આ નવવધૂ સિવાયની બીજી પૂર્વે પરણેલી, મોતીનાં ઘરેણાંથી સુશોભિત, શિકારીની પત્નીઓનું દુર્ભાગ્ય એમાં પ્રગટ થાય છે. કારણ, એમની સાથે સંભોગનો અભાવ હોવાથી શિકારી મોટા મોટા હાથીઓને મારવાની શક્તિ ધરાવતો હતો એવો અર્થ એમાંથી નીપજે છે.’’૨૧
અર્થશક્તિમૂલવ્યંગ્યનો આ ‘સ્વઃસંભવી’ પ્રકાર માત્ર સુંદર ઉક્તિથી કે પ્રૌઢોક્તિથી સિદ્ધ થયેલો નથી હોતો; પણ એ કાવ્યની બહાર જગતમાં પણ ઔચિત્યને લીધે, કુદરતી રીતેય સંભવે છે. પણ, બહાર જગતમાં ન હોવા છતાં - નૈસર્ગિક ન હોવા છતાં, ૧. કવિએ કેવળ પ્રતિભાના બળથી રચેલો અથવા ૨. કવિએ નિમેલા પાત્રથી સિદ્ધ થતો-એવા અર્થશક્તિમૂલવ્યંગ્યના બીજા બે પ્રકારો છે. આ બન્ને પ્રકારો અનુક્રમે ૧. ‘કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ' અને ‘કવિનિબદ્ધવક્ત્રપ્રૌઢોક્તિમાત્રસિદ્ધ' કહેવાય છે. આથી હેમચન્દ્રાચાર્ય વિવેક(પૃ. ૭૨)માં ‘કવિપ્રોઢૌક્તિમાત્ર' એ પ્રકારની સોદાહરણ સમજૂતી આપે છે. આ પ્રકાર, ‘કવિની ચમત્કારક (પ્રૌઢ) ઉક્તિને લીધે જ સંભવે છે' એવી' સમજૂતી આપ્યા પછી, ગ્રંથકાર, તેનું ‘સપ્તેર્ફે મુહિમામો॰' એ ગાથા વડે ઉદાહરણ (૧૪૧) આપે છે. ગાથાનું સંસ્કૃત રૂપ આ પ્રમાણે છે :
૨.
सज्जयति सुरभिमासो न तावदर्पयति युवतीजनलक्ष्यसहान् । अभिनवसहकारमुखान्नवपल्लवपत्रलाननङ्गस्य शरान् ॥
અર્થાત્ “વસંતૠતુ(ચૈત્ર માસ),” યુવતીઓને નિશાન બનાવનાર, અણીદાર, નવપલ્લવોનાં પીંછાંવાળાં, આંબાની નવી મંજરીનાં, કામદેવનાં, બાણો તૈયાર કરે છે; પણ હજી (એ બાણ કામદેવને) આપતો નથી.’’
૨૩૦