________________
પણ ધ્વનિસિદ્ધાન્તનો ઉદય થતાં નવીન કાવ્યશાસ્ત્રનો ઉદય થયો જેમાં રસ કે ધ્વનિને કાવ્યના આત્મા તરીકે સ્થાપિત કરવામાં આવ્યો; અને શબ્દ, અર્થ, ગુણ વગેરેને ગૌણ દરજ્જો આપવામાં આવ્યો. આમ આ નવા કાવ્યસિદ્ધાંતથી કાવ્યની વિભાવના તથા કાવ્યના સૌંદર્યનો ખ્યાલ ધરમૂળથી પલટાઈ ગયો. રસ અથવા ધ્વનિને કાવ્યના કેન્દ્રમાં સ્થાપીને આ નવીન કાવ્યવિચારણાએ અલંકાર, રીતિ વગેરેને કાવ્યના મુખ્ય તત્ત્વ તરીકે સ્વીકારનાર જૂના સિદ્ધાંતોને બાજુએ મૂકી દીધા અને અલંકાર, રીતિ વગેરે કાવ્યતત્ત્વોને રસ અથવા ધ્વનિના સંદર્ભમાં નવેસરથી ગોઠવ્યાં અને રસ કે ધ્વનિને ‘કાવ્યાત્મા’ની સંજ્ઞાથી ઓળખાવ્યો. ‘ધ્વન્યાલોક'માં આનંદવર્ધને સ્પષ્ટ કહ્યું છે કે ધ્વનિ કાવ્યનો આત્મા છે અને રસધ્વનિ એ ધ્વનિનો ઉત્તમ પ્રકાર છે. જે કાવ્યમાં રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ ઇત્યાદિ મુખ્યરૂપે રહેલા હોય છે અને જ્યાં શબ્દો, વાચ્યાર્થો અને અલંકારો, રસ, ઇત્યાદિ સમક્ષ ગૌણભાવ ધારણ કરીને રહેલા હોય છે ત્યાં રસધ્વનિની અચૂક ઉપસ્થિતિ હોય છે. સૂત્ર અગિયાર હેઠળ, કાવ્યની વ્યાખ્યાના સંદર્ભમાં, શ્રીહેમચંદ્રાચાર્યે શૂન્ય વાસગૃહં વિત્તોય... ઇત્યાદિ જે શ્લોક(૧) રજૂ કર્યો છે તેમાં ૨સધ્વનિ મોજૂદ છે. આ દૃષ્ટિએ, કાવ્યની નવીન વિભાવનાની અંદર, ગુણો, અલંકારો, રીતિઓ વગેરેને કાવ્યાત્મા રસના ઉત્કર્ષના હેતુઓ ગણવામાં આવ્યા છે તે સ્પષ્ટ છે.
કાવ્યમાં અલંકારનું સ્થાન તથા મહત્ત્વ
કાવ્યની વ્યાખ્યામાં, શબ્દાર્થના વિશેષણ તરીકે ‘સાલંકારૌ' એ શબ્દ પ્રયોજ્યો હોવાથી, ગ્રંથકારને, સૂત્ર તેરમાં ‘અલંકાર'ની વ્યાખ્યા આપી, કાવ્યના ક્ષેત્રમાં અલંકારના સ્વરૂપ તથા કાર્યની વિચારણા કરવી જરૂરી લાગી છે. ધ્વનિસિદ્ધાંતની નવીન વિચારધારાના અનુયાયી હોવાથી ગ્રંથકારને સંપૂર્ણ ખ્યાલ છે કે રસરૂપ મુખ્ય તત્ત્વના ઉત્કર્ષ માટે બધાં જ પરંપરાગત કાવ્યતત્ત્વોને કાવ્યમાં ગૌણ સ્થાન આપવાની ધ્વનિમાર્ગની પ્રણાલી છે. આ સંજોગોમાં, હેમચંદ્રાચાર્યે, અલંકાર શું છે એ બાબતનો સામાન્ય ખ્યાલ આપવા માટે; અલંકારની ખૂબ જ સંક્ષિપ્ત પણ અર્થપૂર્ણ વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા અનુસાર કાવ્યાત્મા રસના શરીરરૂપ શબ્દ અને અર્થ પર અલંકારો મંડાયેલા છે. અલંકારો કાવ્યના શરીરમાં રહે છે; આત્મામાં નહીં. ‘કાવ્યાનુશાસન’ના પ્રથમ અધ્યાયના સૂત્ર તેર(૧.૧૩) તથા તેની ‘વૃત્તિ’માં અલંકારના સ્વરૂપ તથા કાર્યની જે ચર્ચા કરવામાં આવી છે તે ‘ધ્વન્યાલોક'(૨.૬/૨)માં આનંદવર્ધનાચાર્યે
:
૧૦૭