________________
પદાવલી તદન વિશિષ્ટ તેમજ સુંદર છે. સ્પષ્ટ છે કે બે વસ્તુઓ મળતી આવે તો તે એકજ છે એવું કંઈ નથી - न हि शरीरी शरीरीणान्येन सदशोऽप्येक एवेति शक्यते वक्तुम् ।।
(ધ્વ.આ. ૪. ૧૩ની વૃત્તિ) બે કવિઓના વિચારો વચ્ચેના સંવાદ, સાદૃશ્ય કે મળતાપણાની આ વાત છે. બાકી, બે કાવ્યોમાં કેટલાક શબ્દોના અર્થોનું સામ્ય હોય તો કોઈ જ દોષ નથી કેમકે, વાણીના સ્વામી(વાચસ્પતિ) પણ તદન નવા અક્ષરો કે શબ્દો બનાવી શકતા નથી. એકના એક અક્ષરો કે શબ્દો વાપરવાથી કાવ્યની નવીનતા સંધાતી નથી. જગતમાં જે કંઈ સુંદર કે રમણીય છે તે કાવ્યમાં પ્રસ્તુત થતાં સહૃદયોને આનંદાનુભવ કરાવે છે જ. કોઈ પ્રાચીન કવિના વિષય સાથે સંવાદ ધરાવતી કોઈ બાબત પોતાના કાવ્યમાં પ્રસ્તુત કરવાથી કોઈ સારો કવિ નિંદાપાત્ર ઠરતો નથી. કેમકે જે સુકવિ પરાવલંબન કે હરણની ઈચ્છા રાખતો નથી તેને વાણીની દેવી સરસ્વતી પોતે જ યથેષ્ટ વિષય કે અર્થ દર્શાવે છે (ધ્વ. આ. ૪.૧૪-૧૭ ઈ.).
અહીં, અભ્યાસીઓનું ધ્યાન ખેંચવા જેવી બાબત એ છે કે આનંદવર્ધને ઉપજીવન, હરણ, અનુકરણને સ્થાને સંવાદ' એ સંજ્ઞા પ્રયોજીને, ઉપજીવનને, સાહિત્યશાસ્ત્રમાં સ્થાન પામવા માટે પાત્ર વિષય ગણ્યો છે અને સંવાદ કે સાદશ્ય સર્વથા નિંદ્ય નથી; પણ, બીજામાંથી ઉઠાવવાની દાનત નિંદ્ય છે એવો મત દર્શાવ્યો છે.
આનંદવર્ધને સંવાદના ત્રણ જ પ્રકાર માન્ય કર્યા છે અને તેમાંથી છેલ્લા તુલ્યદેડિતુલ્ય' પ્રકારના સંવાદને ઉત્તમ માન્યો છે, જ્યારે પ્રતિબિંબ તથા આલેખ્યપ્રખ્યની ઢબે થતા અવલંબન કે સંવાદને ત્યાજ્ય ગણ્યો છે.
નોંધપાત્ર છે કે આનંદવર્ધનની સંવાદ-વિભાવનામાં, છાયાનુકરણનો ચોથો પ્રકાર “પરપુરપ્રવેશદશ” સ્થાન પામ્યો નથી. પણ સૌથી પહેલીવાર, રાજશેખરે, અર્થના અન્યયોનિ, નિત્યુતયોનિ અને અયોનિ એવા ત્રણ ભેદ પાડી, અન્યયોનિ પ્રકારના પ્રતિબિંબકલ્પ અને આલેખ્યપ્રખ્ય એ બે ભેદ તથા નિત્યુતયોનિ અર્થના તુલ્યદેહિતુલ્ય અને પરપુરપ્રવેશ દશ એ બે ભેદ નિરૂપ્યા. આ ચારેય ભેદો ‘છાયાનુકરણ” હેઠળ “કાવ્યાનુશાસન'(૧.૧૦ની વૃત્તિ)માં સ્થાન પામ્યા છે અને તેમની વિસ્તૃત સમજૂતી, રાજશેખરના “કાવ્યમીમાંસા ગ્રંથના બારમા તથા તેરમા અધ્યાયના આધારે, “વિવેકામાં રજૂ થઈ છે.