________________
૫૪
ધ્વન્યાલોક
વૈચિત્ર્યને આધારે ચાયેલું, જે ચિત્ર જેવું લાગે છે, તે ‘ચિત્ર કાવ્ય’ કહેવાય છે. ખરેખર તો તે કાવ્ય જ નથી પણ કાવ્યનું, અનુકરણમાત્ર હોય છે. દુષ્કર યમક વગેરેથી થતું શબ્દ ચિત્ર અને તેનાથી જુદું વાચ્યચિત્ર હોય છે. તે વ્યંગ્યાર્થના સ્પર્શ વગરનું હોય છે. રસાદિ તાત્પર્ય વિનાના કેવળ ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો જ એમાં વાકયાર્થરૂપે મુખ્ય હોય છે.
અહીં પૂર્વપક્ષીનો પ્રશ્ન એવો છે કે ‘ચિત્ર કાવ્ય’ જેવો કોઈ કાવ્ય પ્રકાર સંભવતો નથી. જેમાં રસાદિ હોય જ નહિ એવું કાવ્ય શક્ય નથી. વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ કોઈ કાવ્યમાં ન હોય તે બની શકે પણ રસાદિમાં રસ, ભાવ વગેરે હોવાથી અને દરેક વસ્તુ રસ નિષ્પન્ન કરનાર વિભાવ વગેરે બની શકતી હોવાથી વસ્તુ સ્પર્શ વગરનું કાવ્ય કલ્પી શકાતું નથી. રસાદિ તો ચિત્તવૃત્તિ વિશેષો જ છે. એવી કોઈ વસ્તુ નથી જે કોઈને કોઈ ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હોય. જો તે ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હોય તો તે કવિનો વર્જ્ય વિષય જ ન બને. ચિત્ર કાવ્યને રસભાવાદિસ્પર્શ શૂન્ય શી રીતે કહી શકાય ?
તેના જવાબમાં આનંદવર્ધન કહે છે કે કવિ જ્યારે રસાદિની વિવક્ષા વગર શબ્દાલંકાર કે અર્થાલંકારની ગૂંથણી કરે ત્યારે રસાદિની વિવક્ષાની દૃષ્ટિએ (કહેવાની ઇચ્છા નથી એ દષ્ટિએ) કાવ્યને રસાદિશૂન્ય માની શકાય છે. આ પરિકર શ્લોકમાં પૂર્વપક્ષને જવાબ છે.
रसभावादिविषयविवक्षाविरहे सति ।
अलङ्कार निबन्धो यः स चित्रविषयो मतः ॥
રસ, ભાવ વગેરેની વિવક્ષાના અભાવમાં જે અલંકારોની રચના છે તે ચિત્ર (કાવ્ય)નો વિષય મનાય છે અને જ્યારે રસ, ભાવ આદિની પ્રધાનરૂપથી વિવક્ષા હોય તો એવું કોઈ કાવ્ય હોઈ શકતું નથી જે ધ્વનિનો વિષય ન હોય.
જેવી રીતે કોઈ વસ્તુનું કોઈ ચિત્ર બનાવવામાં આવે તો તેમાં મુખ્ય વસ્તુનાં બધાં અવયવ અને બાહ્ય આકૃતિ જોઈ શકાય છે. તેમાં જીવનની ખામી હોય છે. તેવી રીતે જે કાવ્યમાં કાવ્યનાં બધાં તત્ત્વ, શબ્દ, અર્થ તેનું વૈચિત્ર્ય વગેરે હોય પણ કાવ્યનો આત્મા રસ ભાવ વગેરેનો ધ્વનિ ન હોય તેને ચિત્રકાવ્ય કહે છે. કવિએ જે કાવ્યમાં પ્રયત્નપૂર્વક યમક, ચક્રબંધ, મુરજબંધ, ગોમુત્રિકાબંધ વગેરે ગોઠવ્યાં હોય ત્યાં ચિત્રકાવ્ય છે તેમ કહેવાય.
કાવ્યરચનામાં શિખાઉ કવિ, કાવ્યમાં ધ્વનિનું મહત્ત્વ ન જાણતા હોય અને કાવ્ય લખવા લાગે એવાઓને લક્ષ્ય બનાવીને આનંદવર્ધને ‘ચિત્રકાવ્ય’ નામના કાવ્ય પ્રકારની સંજ્ઞા આપી છે. પરિપકવ કવિના કાવ્યમાં સર્વત્ર રસાદિ જ તાત્પર્ય રૂપમાં રહેલ હોય છે, રહેવા જ જોઈએ.