________________
નિવેદન
આનંદવર્ધનને ધ્વન્યાલોક' એટલે “અલંકારશાસ્ત્રનો સીમાચિહ્નસમો શકવર્તી ગ્રંથ.
અનુસ્નાતક શિક્ષક તરીકેની મારી ૩૨ વર્ષની કારકિર્દીમાં ભાવનગર, રાજકોટ, પાટણ અને વિસનગરનાં અનુસ્નાતક કેન્દ્રોમાં જુદા જુદા સમયે, “ધ્વન્યાલોક'નું અધ્યાપન કરાવવાનો અવસર મળ્યો હતો. તેથી આ ગ્રંથનાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષામાં સંપાદનો અને વિવેચનના ગ્રંથો હોવા છતાં સાહિત્ય શાસ્ત્રના જિજ્ઞાસુ વાચકો અને ખાસ તો એમ. એ. સંસ્કૃતના અલંકાર શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ‘ધ્વન્યાલોક'ની ગુજરાતી ભાષામાં કેવી આવૃત્તિ હોવી જોઈએ તેનું કલ્પના- ચિત્ર મારા માનસપટ પર અંક્તિ હતું. એટલે પાર્શ્વ પબ્લિકેશનના શ્રી બાબુભાઈ શાહે મને ધ્વન્યાલોક'ની આવૃત્તિ તૈયાર કરવાનું કહ્યું ત્યારે એ કામ મેં સહર્ષ વધાવી લીધું. ઉત્તમ પ્રશિષ્ટ ગ્રંથો સમયે સમયે મૂલ્યાંકન અને અભ્યાસ ખમી શકે તેવા હોય છે.
ધ્વનિ સિદ્ધાન્ત અને ધ્વન્યાલોક પર અંગ્રેજી, હિન્દી, ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોના પુરોગામી વિદ્વાન લેખકોનું ઋણ હું કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારું છું તથા તેમનો આભાર માનું છું. સંદર્ભ સૂચિમાં અને ગ્રંથ ભાગમાં તેમનો નિર્દેશ કર્યો છે.
“ધ્વન્યાલોક' માં અનેક સ્થળે પાઠાન્તરો છે. સંસ્કૃત પાઠ (text) Lટે ભાગે આચાર્ય વિશ્વેશ્વર સિદ્ધાન્ત શિરોમણિનો સ્વીકાર્યો છે. મેં પાઠભેદોની ચર્ચા કરી નથી. મેં સંસ્કૃત લખાણને વફાદાર રહી વ્યાકરણને અનુસરીને ગુજરાતી અનુવાદ આપવાનો પ્રયાસ કર્યો છે. અનુવાદમાં ખૂટતા અર્થની પૂર્તિ કૌસમાં સમજુતી આપીને કરી છે.
અભિનવ ગુણની ‘લોચન’ ટીકા વિસ્તૃત અને સશક્ત ટીકા છે. અભ્યાસનોધમાં ‘લોચન’ ટીકાની મહત્ત્વની ચર્ચા અને ભાવાર્થ આવરી લીધેલ છે. અભ્યાસનોંધમાં શ્રી ડોલરરાય માંકડ, શ્રી નગીનદાસ પારેખ, ડૉ. જગન્નાથ પાઠક, ડૉ. રામસાગર ત્રિપાઠી, આચાર્ય વિશ્વેશ્વર વગેરેના ગુજરાતી હિન્દીમાં લખાયેલ “ધ્વન્યાલોક'ના વ્યાખ્યા ગ્રંથોના અભ્યાસ અને તારણોને ઉપયોગમાં લીધેલ છે. ગ્રંથના આરંભમાં આપેલ વિસ્તૃત પ્રસ્તાવનામાં “ધ્વન્યાલોક'ના અભ્યાસ માટે આવશ્યક મુદ્દાઓ સમાવી લીધા છે.
આ ભગીરથ કાર્ય ઈશ્વરના અનુગ્રહ અને ઇચ્છાથી સંપન્ન થઈ શક્યું છે. ભગવાને મને નિમિત્ત બનાવીને આ કાર્ય કરાવ્યું છે એમ હું માનું છું. “નાનો ખૂબ છતાં હું તારો, તવ શક્તિ અભિમાન માં હું પૂરી શ્રદ્ધા ધરાવું છું.