________________
મંગલાચરણ
પ્રતિક્રમણ, પૌષધ એ બધા કિંમતીમાં કિંમતી અલંકારો છે, પણ તેવા અલંકાર પહેરનારે તેની સાથો સાથ નીતિ ને ન્યાયનાં વસ્ત્ર પણ ધારણ કરવા જોઈએ. નીતિ ને ન્યાયનાં લુગડાં ન પહેર્યા હોય અને ઔષધ પ્રતિક્રમણદિના ગમે તેવા ધર્મના અનુષ્ઠાનો મનુષ્યો કરતા હોય, છતાં તેઓના લીધે ધર્મ શાસનની શોભા વધતી નથી પણ ઉલટી ઘટે છે, તેવા ધાર્મિકો માટે મનુષ્યો બહારમાં એવું પણ બોલતા થઈ જાય છે કે, આ ધર્મ કરનારા સૂક્ષ્મ જંતુઓ પ્રતિ ખૂબ દયા રાખે છે, જ્યારે મનુષ્ય જેવા મનુષ્યને રેંસી નાંખે છે, એમને પાણી અલગણ ખપતું નથી પણ ગરીબોનું લોહી અલગણ ખપે છે, માટે ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવું એ ઘણીજ સારી વાત છે. પણ તેવા ગૃહસ્થોએ વ્યવહાર શુદ્ધિ માટે નીતિ અને ન્યાયના પ્રિન્સિપલોનું પણ અણીશુદ્ધતયા પાલન કરવું જોઈએ.
અતિ માયાવી અને અતિ લોભી મનુષ્યોથી શાસનની લઘુતા થાય, પણ પ્રભુતા ન વધે
સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, દેવપૂજા, સુપાત્રદાન, શીલવ્રતનું પાલન, બારવ્રતધારીપણું વિગેરે ધર્મની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલો શ્રાવક પણ, જે અતિ લોભી હોય, અતિ માની અને અતિ માયાવી હોય, કષાયની તીવ્ર પરિણતિવાળો હોય, વ્યાપાર વાણિજ્યનાં ક્ષેત્રમાં અપ્રમાણિક હોય, તો તેનાથી ધર્મ ક્રિયાઓની લઘુતા થાય છે. પણ તેના ધર્મયુક્ત જીવનની અને ધર્મ શાસનની પ્રભુતા વધતી નથી.