________________
પરિશિષ્ટ-૧૮ પૂ.આ.ભ.શ્રી કૈલાસસાગરસૂરિજી મ.સા.ના શિષ્ય પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા.ની “ગુરુપૂજન-ગુરુદ્રવ્ય અને તેના વિનિયોગ”
અંગેની માન્યતા
(““સ્વપ્નદ્રવ્ય અંગે માર્મિક બોધ” પુસ્તકમાંથી પૃ. ૧૦૫થી ૧૧૦ ઉપરથી સાભાર) શ્રી ગુરુદ્રવ્ય અને તેનો વિનિયોગ :
પરમ પૂજ્યપાદ સાધુ સાધ્વીજી મહારાજને પ્રતિલાભેલ (વહોરાવેલ) આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ ગુરુદ્રવ્ય હોવાથી, પ્રતિભાવાહક જેવા પરમ ઉચ્ચ કક્ષાના શ્રાવકે પણ તે વસ્તુઓનો ઉપયોગ કરવો યોગ્ય (ઉચિત) નથી. અર્થાત્ તે વસ્તુઓ ગૃહસ્થથી ન જ વપરાય.
પરંતુ જપ ધ્યાનાદિ ધર્મની અભિવૃદ્ધિ અર્થે મહદંશે શ્રાવકાદિને શ્રી સ્થાપનાચાર્યજી મહારાજ, જપમાલિકા (નવકારવાળી), પુસ્તકાદિ આપવાનો વ્યવહાર પૂજ્ય ગુરુ મહારાજાઓ કરે છે. કેમ કે, શ્રી સ્થાપનાચાર્ય મહારાજાદિ વસ્તુઓ અનિશ્રિત એટલે સ્વનિશ્રાકૃત ન કરેલ હોવાના કારણે જ્ઞાનોપકરણરૂપ હોવાથી પૂજય ગુરુમહારાજ આપે, તો તેનો ઉપયોગ કરવાનો વ્યવહાર પ્રચલિત છે.
પરંતુ સુવર્ણ, રૂપું (ચાંદી) આદિ ગુરુદ્રવ્ય હોય, તો તેનો વિનિયોગ શ્રી જિનમંદિર આદિના જીર્ણોદ્ધારમાં, નૂતન જિનમંદિર નિર્માણમાં, સિંહાસન, સમવસરણ, ત્રિગડું, સ્નાત્રપૂજા આદિના ઉપકરણો, ભંડાર અને તોરણ આદિના નિર્માણમાં કરવો, એ જ શાસ્ત્રસિદ્ધ પરમ હિતાવહ સુવિહિત માર્ગ છે.
(૧) ગુરુપૂજન સંબંધી સુવર્ણ આદિ દ્રવ્ય ગુરુદ્રવ્ય કહેવાય? (૨) પૂર્વકાળમાં આ પ્રકારે ગુરુપૂજન કરવાનું વિધાન હતું? (૩) ગુરુપૂજનના દ્રવ્યનો ઉપયોગ ક્યાં થાય?