________________
૩૫૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા કરવો? તે અંગેની તમામ સમજણ દ્રવ્ય-સપ્તતિકા નામના ગ્રન્થમાં આપવામાં આવી છે. જો આપણે શાસ્ત્રનીતિથી જ ચાલવાનો આગ્રહ કરી રાખીશું તો જ આપણા ધર્મમાં અને ધાર્મિક વ્યવહારોમાં શુદ્ધિ જળવાઈ રહેશે અને વૃદ્ધિ થતી જશે. જો જમાનાવાદના પ્રવાહમાં તણાઈને મનફાવે તેવા વિધાનો કરતા રહીશું તો દરેક માણસ પોતાની મનસ્વી રીતે ગમે તે વિધાન કરશે, ગમશે તે લખવા લાગશે. કરાવવા લાગશે, ઠરાવો કરાવશે. આમ દરેક માણસ પોતની બુદ્ધિ, અનુભવ અને વાતાવરણના અનુસાર જો જુદી જુદી વાત કરશે તો ધર્મક્ષેત્રમાં મોટી અવ્યવસ્થા ઊભી થશે. આવી સ્થિતિ આજની અપરિપક્વ-અશાસ્ત્રીયલોકશાહીમાં ઉઘાડા સ્વરૂપમાં જોવા મળે જ છે.
માટે આપણે તો શાસ્ત્રનીતિને જ વળગી રહેવું જોઈએ. જેથી જેના તેના જે તે મત ચાલી શકે જ નહિ; એથી અંધાધૂધી મચે જ નહિ.
હવે મૂળ વાત ઉપર આવીએ. દેવદ્રવ્યની રકમ બીજા જ્ઞાનાદિનાં ધાર્મિક ખાતામાં વાપરવાની પણ જો મનાઈ ફરમાવાઈ છે તો કહેવાતા સમાજકલ્યાણના કાર્યમાં તો એ રકમ વપરાય જ શી રીતે! જે રકમ શાસ્ત્રનીતિથી દેવદ્રવ્યમાં જ જવાને લાયક છે તે રકમને આપણે બધા ભેગા થઈને પણ બીજે લઈ જઈ શકતા નથી. કેમ કે, આ તો મૂળભૂત બંધારણીય બાબત છે. વળી યુક્તિથી પણ આ વાત બરોબર બેસી જાય તેવી છે. જો આ ચુસ્ત વ્યવસ્થા આપણે ત્યાં ન હોત તો આપણાં દેરાસરો કયારનાં ખંડિયેર બન્યાં હોત ! આજે પણ ભારતભરના જિનાલયોના જીર્ણોદ્ધાર માટે કરોડો રૂપિયાની જરૂર છે. તમારી પેઢીમાં દેવદ્રવ્યની રકમનો વધારો હોય તો શા માટે તમે તે જિનાલયોના કાર્ય માટે તે રકમ ફાળવતા નથી! મને યાદ છે ત્યાં સુધી કસ્તુરબા ફંડની રકમ દુષ્કાળના કાર્યમાં વાપરી નાંખવાનું સૂચન ગાંધીજી સમક્ષ રજૂ કરાયું હતું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું કે, “દુષ્કાળના કાર્ય માટે આપણે બીજો જંગી ફાળો કરી લઈશું. પરંતુ આ ફંડની રકમ તેમાં આપી શકાય નહિ, કેમ કે, તેથી દાન આપનારના આશયનો આપણા વડે દ્રોહ થાય છે. વળી આજની ગવર્મેન્ટનું બંધારણ પણ એવું જ છે કે એક ખાતાની રકમ બીજા ખાતામાં તમે વાપરી શકતા નથી. જો તેમ કરો તો સજાને પાત્ર થાઓ.” (પૃ. ૪૪-૪૫-૪૬).