________________
૩૧૩
પ્રકરણ - ૧૧ઃ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
– પોતે ભરાવેલા છોડ વગેરે જો ઉજમણામાં રાખ્યા હોય તો ફરી પોતાના ઘરમાં રાખી શકાય નહિ. એને પણ સુયોગ્ય સ્થાનમાં આપવા જોઈએ.
૨૪. પૂજારીના પગાર સંબંધીઃ
પરમાત્માને સ્વયં પૂજાની કોઈ જરૂર નથી. જિનપૂજા કરવી એ શ્રાવકોનું પોતાનું કર્તવ્ય છે. શ્રાવકની સગવડતા અને સહાયતા માટે પૂજારી રાખવામાં આવે છે. આથી પૂજારીને પગાર વગેરે શ્રાવકોએ પોતે જ આપવો જોઈએ. જો પોતે ન આપી શકે તો સાધારણ ખાતામાંથી અથવા જિનમંદિર સાધારણ ખાતામાંથી આપવો જોઈએ. પરંતુ દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર વગેરે આપી શકાય નહિ.
૨૫. દેવ-દેવી સંબંધી સમજ :
શાસ્ત્ર મર્યાદા મુજબ દેરાસરમાં મૂળનાયક ભગવાનનાં યક્ષ-યક્ષિણી સિવાય અન્ય કોઈ પણ દેવ-દેવીની પ્રતિમા વગેરે પધરાવવા ઉચિત નથી. મૂળનાયક પ્રભુ પણ જો પરિકર સાથેના હોય, તો તેમના દેવ-દેવી પણ પરિકરમાં હોય જ છે. તેથી એમની અલગ મૂર્તિ પધરાવવાની આવશ્યકતા નથી.