________________
ઉપોદ્ઘાત-આમુખ
સર્વજ્ઞ-વીતરાગ શ્રી અરિહંત પરમાત્મા દ્વારા પ્રસ્થાપિત જૈનશાસન’ એક મહાન ધર્મશાસન છે - સર્વાતિશાયી ધાર્મિક સંસ્થા છે. તેના મુખ્ય ચાર અંગો છે – સાધુ-સાધ્વી-શ્રાવિકા-શ્રાવિકા.
અનાદિકાળથી પ્રવર્તમાન અને અનંતકાલ સુધી રહેનારી આ ધાર્મિક સંસ્થા સુનિશ્ચિત ઉદ્દેશો, ત્રિકાલાબાધિત સિદ્ધાંતો, પરમપવિત્ર આલંબનો, પરિણામલક્ષી (સંસારનાશક-મોક્ષપ્રાપક) સુવ્યવસ્થાઓ, ઉદ્દેશોને પાર પાડવાની ગંભીરતા, સિદ્ધાંતો પ્રત્યેની વફાદારી-પ્રતિબદ્ધતા અને તારક તત્ત્વો પ્રત્યેની અવિહડ શ્રદ્ધાના પ્રભાવે વિષમકાળમાં પણ મહદ્અંશે પોતાના મૂળભૂત સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને અનેક ભવ્યાત્માઓના હૃદયકમળને વિકસિત કરી રહેલ છે.
કોઈપણ સંસ્થા એના મૂળભૂત ઉદ્દેશ-સ્વરૂપમાં અવસ્થિત રહે એ અતિજરૂરી છે અને એમાંયે ધર્મશાસન અંગે તો સ્હેજે બાંધછોડ કરવી લેશમાત્ર ઉચિત નથી. તેથી જ પૂર્વકાલીન મહર્ષિઓએ પ્રાણના ભોગે પણ ધર્મશાસનને યથાવત્ રાખવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. તે મહાપુરુષોના ઉદાત્ત પુરુષાર્થે જ આપણને ધર્મશાસન એના મૂળસ્વરૂપમાં આજે પ્રાપ્ત થયું છે.
અત્યારે પંચમ આરો પ્રવર્તે છે. ભલે ભસ્મગ્રહ ઉતરી ગયાની વાતો થતી હોય, પરંતુ પ્રભુ મહાવીરે અંતિમ દેશનામાં ફરમાવેલ ‘મૃતસિંહ’ સ્વપ્નના ફળાદેશની વાતો પાંચમા આરાના અંત સુધી પોતાનો પ્રભાવ બતાવતી રહેવાની છે, તે પણ યાદ રાખવાની જરૂર છે.
આથી આ પંચમ આરામાં પ્રભુશાસનના સિદ્ધાંતો-આલંબનો વગેરે દૂષિત કરવાનું કામ અવારનવાર ચાલતું જ રહે છે. આવા અવસરે શાસનપ્રેમી ભવ્યત્માઓની સિદ્ધાંતો - આલંબનો વગેરેને સુરક્ષિત બનાવી રાખવાની ફરજ બની જાય છે. અત્યારે દેવદ્રવ્યની રક્ષા કરવાનો મહાન અવસર ઉપસ્થિત થયો છે. અમુક ચોક્કસ વર્ગના અપપ્રચારના યોગે ઘણા ભવ્યાત્માઓ ગુમરાહ બની દેવદ્રવ્યભક્ષણ કે વિનાશના મહાપાપના ભાગી બને એવી પરિસ્થિતિનું નિર્માણ