________________
વિના બારોબાર શાસ્ત્ર કે શાસ્ત્રમાન્ય પરંપરા વિરુદ્ધ ખર્ચા કાઢી આપવાની આત્મઘાતી સલાહોના લપસણા માર્ગે જતા સૌ કોઈ અટકે. એ માટે જ આ પુસ્તકમાં ઘણા બધા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. આમાં કોઈને ઉતારી પાડવાનો ભાવ નથી. કોઈને હલકા ચીતરવાની મલિનવૃત્તિ નથી. કેવળ અને કેવળ શાસ્ત્ર અને સુવિહિત પરંપરા સ્પષ્ટ માર્ગદર્શન આપી રહી હોવા છતાં તેનાથી વિરુદ્ધ માર્ગ કંડારવાનો પ્રયાસ થાય છે ત્યારે શાસનદાઝ અને પ્રવચનરાગના કારણે હૃદય પારાવાર વ્યથિત બને છે માટે જ આ પુસ્તકમાં કયાંક જો આકરાં શબ્દો અવતરી ગયા હોય તો એને આવી વ્યથારૂપે સમજજો. મોક્ષપ્રાપ્તિમાં પરંપરાએ સહાયક બનનારો ધર્મદ્રવ્યવ્યવસ્થાનો માર્ગ સૂક્ષ્મ બુદ્ધિએ વિચારવા જેવો છે. જરાક ગાફેલ રહ્યા તો અનંતસંસાર વધી જતા પણ વાર ન લાગે. માટે જ દરેક વહીવટદારે વહીવટની બાબતમાં સરળ કે મનફાવતો માર્ગ શોધવાને બદલે શાસ્ત્રીય માર્ગ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આ વિષયમાં બે મત પડેલા દેખાય ત્યારે ભાવતો કે ફાવતો માર્ગ પસંદ કરવાને બદલે બે મતમાંથી કયા મતને શાસ્ત્ર અને સુવિહિત પરંપરાનું સમર્થન મળે છે, તે જોઈ - વિચારીને જે માર્ગ સાચો હોય, તે જ માર્ગ પસંદ કરવો જોઈએ. આથી સ્વદ્રવ્યથી કે છેવટે સાધારણદ્રવ્યથી દેરાસરનો તમામ ખર્ચ કરવો એ તદ્દન નિર્દોષ માર્ગ છે.
ધર્મદ્રવ્યની વ્યવસ્થા માટે માર્ગદર્શન આપવાની જવાબદારી જેમના શિરે છે, તે ગુરુવર્યો શ્રાવકનું મોઢું જોઈને તેને અનુકૂળ માર્ગ બતાવવાને બદલે શાસ્ત્ર અને સુવિહિત પરંપરા મુજબ માર્ગદર્શન આપે અને વહીવટદારો આવા જ માર્ગદર્શનને અનુસરે અને એ દ્વારા સૌ કોઈ જ્યાં કશો જ વહીવટ કરવાની જરૂર રહેતી નથી એવા મોક્ષસ્થાનને પામે એ જ એક શુભકામના વિ.સં. ૨૦૭૧, કિ. અષાઢ સુદ-૬
આચાર્ય વિજય જયદર્શનસૂરિ બુધવાર, તા. ૨૨-૭-૨૦૧૫
રત્નત્રયી આરાધના ભવન શ્રી વર્ધમાનસ્વામી ચ્યવન કલ્યાણક દિન
વસંતકુંજ, અમદાવાદ-૭