________________
૧૨૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા છે, તેમ જ્ઞાનભંડારની માલિકીના પુસ્તકોનો ઉપયોગ કરે તો શ્રાવકે એનો નકરો ભરવો જોઈએ. વળી, જેમ જિનભક્તિ એ સ્વકર્તવ્ય છે તેથી એમાં સ્વદ્રવ્ય જોડવું જોઈએ, તેમ “જ્ઞાનપ્રાપ્તિ કરવી એ સ્વકર્તવ્ય છે, તેથી એમાં આલંબન બનતા પુસ્તકનો નકરો ભરવો જોઈએ. જાહેર લાઇબ્રેરીઓમાં પણ બધા લવાજમ ભરીને જ પુસ્તકો વાપરતા હોય છે.
જ્યારે જૈનસંઘના જ્ઞાનભંડારો તો જ્ઞાનની ભક્તિ સ્વરૂપે આવેલા જ્ઞાનદ્રવ્યથી બનેલા હોય છે.
પ્રશ્ન-૨ : પરદ્રવ્યથી પૂજાનો નિષેધ કરી, વાર્ષિક ચઢાવા દ્વારા પરદ્રવ્યથી પૂજાની પ્રથા શરૂ કરાવવી ઉચિત છે?
ઉત્તર-૨ :- આજના વિષમકાળમાં શ્રાવકો સ્વકર્તવ્ય ચૂકે છે, એ એક કારણથી અને સમયાભાવે સામગ્રી વિના આવતા શ્રાવકો માટે તથા બહારગામથી કે દૂરથી આવતા શ્રાવકો માટે સંઘને પૂજાની સામગ્રી દેરાસરમાં ઉપલબ્ધ રાખવી એ કર્તવ્ય બન્યું હોય તેવા સંયોગો ઊભા થયેલા છે. આવી પરિસ્થિતિમાં “પૂજાની સામગ્રી શ્રાવકોના પોતાના દ્રવ્યની જ હોવી જોઈએ, પરંતુ દેવદ્રવ્યની તો ન જ હોવી જોઈએ” – આ આશયથી પૂજાની સામગ્રી માટેના વાર્ષિક ચઢાવા દ્વારા ધન એકઠું કરવાની પ્રથા ચાલું થઈ છે અને ગીતાર્થોએ એને મંજુરી આપી છે.
હવે મહત્ત્વની વાત એ છે કે, સંઘે પોતાના કર્તવ્યરૂપે પૂજાની સામગ્રી ઉપલબ્ધ કરી, ત્યારે ઉપદેશક ગુરુનું અને જિનપૂજા કરવા આવતા શ્રાવકોનું કર્તવ્ય શું હોય? - તો કોઈપણ ગીતાર્થને પૂછો તો એ જ જવાબ આપે કે, (૧) ઉપદેશકો શ્રાવકને શાસ્ત્રમાં વર્ણવેલ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાની વિધિ બતાવે અને શ્રાવકોનું અજ્ઞાન કે પ્રમાદ જે હોય તે દૂર કરી આપે અને શ્રાવકનું કર્તવ્ય એ છે કે, સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી અને કદાચ સંઘની સામગ્રીમાંથી કરે તો પણ પોતાની શક્તિ મુજબ ફંડમાં રકમ નોંધાવ્યા વિના રહે નહીં. સંઘના ફંડથી જ (ધર્મદાના દ્રવ્યથી જ) સ્વકર્તવ્ય પતાવવાની વૃત્તિ ન રાખે.