________________
સ્થગિત થયેલા એ શાસ્ત્રવિરુદ્ધ ઠરાવોને સક્રિય બનાવવાનું ઝનૂન પૂર્વક શરૂ થયું. છે. શ્રી સંઘના વહીવટદારોને સાધારણદ્રવ્યથી દેરાસર ચલાવવાને બદલે સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યની આવકમાંથી દેરાસરનો ખર્ચ કાઢવાની, એટલું જ નહિ, હવે તો આગળ વધીને દેવદ્રવ્યમાંથી આંગીઓ, મહાપૂજાઓ રચાવવી વગેરે સુકૃતો જે શ્રાવકો પોતાના પૈસે કરતા હતા તેને પણ દેવદ્રવ્યમાંથી કરવાની સલાહો આપવાનું શરૂ થઈ ગયું છે. આના માટે દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્યના આવક-ખર્ચના શાસ્ત્ર-પરંપરા વિરુદ્ધ કોઠાઓ બનાવીને બધાને પકડાવી દેવામાં આવે છે. કહે છે કે તમારે કોઈને પૂછવાનું નથી. આ કોઠો આપ્યો છે તે મુજબ વહીવટ કરો. તમને કશું પાપ લાગવાનું નથી.” આ કોઠાઓમાં એક જ સમુદાયના આચાર્યોના નામો છે. આ આચાર્યો એ સમુદાયના છે, કે જેમના પૂર્વજ ગુરુવર્યો-મહાપુરુષોએ અને જેમના નામ છે તે ખુદ આચાર્યોએ પણ ગુજરાત-મહારાષ્ટ્ર આદિના ગામડે ગામડે ફરીને, જ્યાં
જ્યાં ગેરવહીવટ ચાલતો હતો તેને સુધરાવીને શાસ્ત્રીય વહીવટ શરૂ કરાવ્યો હતો. આજે દુર્ભાગ્યની વાત છે કે, આવું કરનારા તે જ આચાર્યો જ્યાં સાચો અને શાસ્ત્રીય વહીવટ ચાલી રહ્યો છે તેને બગાડવાના, ગેરવહીવટમાં ફેરવવાની ઝુંબેશ ઉપાડવાના કામે લાગ્યા છે. અન્ય સમુદાયો આ કોઠાની બધી માન્યતાઓ સ્વીકારતા ન હોવા છતાં એકદમ મૌનવ્રત લઈને બેઠા છે તે વધુ આશ્ચર્યજનક છે.
સૌથી વધુ ખતરનાક વાત તો એ છે કે સ્વપ્નાદિ દેવદ્રવ્યની બોલીની આવકમાંથી દેરાસર સંબંધી તમામ ખર્ચ કરવાની અશાસ્ત્રીય પ્રવૃત્તિ માટે શાસ્ત્રપંક્તિઓનો ભયાનક દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ જે શાસ્ત્ર પંક્તિઓ રજૂ કરીને શ્રી સંઘને ગેરમાર્ગે દોરે છે, તે શાસ્ત્રપંક્તિના સંગત અર્થો જાહેર કરીને જવાબ ભૂતકાળમાં અપાઈ જ ગયો છે. એને ધ્યાનમાં લીધા વિના જ ફરી ફરી તે જ પંક્તિઓને ખોટા અર્થઘટન સાથે આગળ કરીને સ્વપ્નાદિ દેવદ્રવ્યથી પૂજા કરવાની હિમાયત કરી રહ્યા છે. આ સમયે તે તે શાસ્ત્રપંક્તિઓનો તે જ શાસ્ત્રકારોને ઈષ્ટ અર્થ કર્યો છે તે જોવું પ્રસ્તુત ગણાશે.
સૌ પ્રથમ તે શાસ્ત્રપંક્તિઓ, પછી તેનું કરવામાં આવતું અશાસ્ત્રીય અર્થઘટન અને પછી શાસ્ત્રકારોને ઈષ્ટ વાસ્તવિક અર્થઘટન : આ ક્રમ મુજબ