________________
તેનો નક્કર વિરોધ કરેલો જેના પરિણામે શ્રી સંઘોમાં દેરાસર સાધારણનું ભંડોળ કરીને દેરાસરનો ખર્ચ કરવાનું ચાલુ રહ્યું. પરંતુ આ પછી સ્વપ્નદ્રવ્યની આવકને ૬૦-૪૦ ટકામાં વહેંચીને ૬૦ ટકા દેવદ્રવ્યમાં અને ૪૦ ટકા દેરાસર સાધારણમાં લઈ જવાની કે પૂજારી-ચોકીદારનો પગાર સ્વપ્ન દ્રવ્યમાંથી કાઢવાની વાત ચાલી પડી. એનો મક્કમ પ્રતિકાર ચાલુ રહેવાના કારણે ઘણા સંઘો આ લપસણા માર્ગમાં પછડાતા બચ્યા. વિ.સં. ૧૯૯૦, ૨૦૧૪માં પણ દેવદ્રવ્યની સુરક્ષા નક્કરરૂપે થઈ.
વિ.સં. ૨૦૪૪ના મર્યાદિત મુનિસંમેલનમાં “કલ્પિત દેવદ્રવ્યમાંથી જિનાલય-જિનપ્રતિમા સંબંધી ભક્તિનો તમામ ખર્ચ થાય એ વાતને આગળ કરીને દેવદ્રવ્યમાંથી જિનપૂજા કરવાની છૂટ આપવામાં આવી. ખરેખર શ્રી સંબોધપ્રકરણમાં કલ્પિતદ્રવ્યની જે વ્યાખ્યા કરવામાં આવી છે તેમાં આજની સ્વપ્નાદિ દેવદ્રવ્યની બોલીઓનો કોઈ પણ રીતે સમાવેશ થઈ શકતો ન હોવા છતાં તેઓએ સ્વપ્નાદિ બોલીને કલ્પિત દેવદ્રવ્ય ગણાવીને તેમાંથી જિનાલય સંબંધી દરેક ખર્ચ કરવાની છૂટ આપી. બીજા પણ શાસ્ત્ર અને શાસ્ત્રાનુસારી પરંપરાને અનુરૂપ ન કહેવાય તેવા ઠરાવો આ સંમેલનમાં થયા. આ સમયે વિ.સં. ૧૯૭૬ના સંમેલનથી જેઓશ્રી સક્રિય રીતે શાસનહિતના પ્રશ્ન સજાગ હતા, એવા તે સમયના એક માત્ર હયાત મહાપુરુષ, દેવદ્રવ્યાદિ સંરક્ષક પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના વડીલ ગુરુવર્યોએ કરેલો વિરોધ ફરીથી આવી રીતે દોહરાવ્યો, જેના પ્રભાવે દરેક સંઘોમાં શાસ્ત્રવિરુદ્ધ વહીવટ ઘૂસી જવાની શક્યતા અટકી ગઈ.
તે સમયના તપાગચ્છના સૌથી મોટા આ મહાપુરુષની શાસ્ત્રનિષ્ઠા અને પ્રતિબદ્ધતાના પ્રભાવે થયેલા ઠરાવો સ્થગિત થઈ ગયા. પછી તેઓશ્રીના કાળધર્મ બાદ આ ઠરાવોના સમર્થન અને વિરોધમાં સાહિત્ય બહાર પડતું રહ્યું. જૂના શ્રદ્ધાળુ વહીવટદારોએ દેવદ્રવ્યથી દેરાસર ચલાવવાનું પાપ પોતાના માથે લીધું નહિ. આમાં જ વર્ષો વહી ગયા. હમણાં છેલ્લા કેટલાક સમયથી જૂની પેઢીના શ્રદ્ધાળુ અને જાણકાર વહીવટદારોની જગ્યાએ નવા નિશાળીયાઓ ગોઠવાતા ફરીથી દેવદ્રવ્યના પૈસે દેરાસર ચલાવવાની વાત ઝુંબેશના સ્વરૂપે ઉપડી છે. હવે તો શ્રીસંઘના વર્તમાનના મોવડી ગણાતાઓને ભેગા કરીને