________________
પ્રકરણ - ૨: દેવદ્રવ્યના વિવિધ પ્રકારો
૪૫ (૪) વિ.સં. ૨૦૪૪ પૂર્વે સમસ્ત શ્રીસંઘમાં પૂર્વનિર્દિષ્ટ ભેદોને આધારે
જ વહીવટ થતો હતો. બોલીની રકમ જીર્ણોદ્ધારાદિ કાર્ય માટેના દેવદ્રવ્યમાં જતી હતી અને દહેરાસરની પૂજાની સામગ્રી લાવવા વગેરેના વહીવટ માટે પર્યુષણા વગેરેમાં કરાતી ટીપોમાં શ્રાવકો પોતાની રકમ આપતા હતા. આ પણ અર્પણ-સમર્પણ અને સંકલ્પનો ભેદ સ્પષ્ટ કરે છે. પૂ.તપસ્વી શ્રીધર્મસાગરજી ગણિવર દ્વારા લિખિત “ધર્મદ્રવ્યવ્યવસ્થા' પુસ્તકમાં (પ્રકાશન વર્ષ - વિ.સં. ૨૦૨૨માં) પણ આ જ પ્રમાણે ભેદો જોવા મળે છે. એક સાદું ઉદાહરણ જોઈએ. પૂજાની સામગ્રી માટેના બટવામાં કે ડબીમાં મૂકેલા ચોખા સંકલ્પિત દેવદ્રવ્ય કહેવાય અને પ્રભુ સમક્ષ એ ચોખાનો સાથીયો કર્યા પછી એ ચોખા સમર્પિત-અર્પિત દેવદ્રવ્ય કહેવાય છે. આ બંને પ્રકારના અક્ષતનું ભક્ષણ શ્રાવક કરી શકે નહીં. આ વિષયમાં આ પ્રકારના ભેદ આપણે પાડતા આવ્યા છીએ અને તેથી આ પૂર્વનિર્દિષ્ટ ભેદ કાલ્પનિક નથી, પરંતુ વાસ્તવિક જ છે. શ્રાવક-શ્રાવિકાની ભક્તિ સંબંધી દ્રવ્યના વિષયમાં પણ બે ભેદ પડે છે. સાધર્મિક ભક્તિ કરી શકાય એ માટે અલગ રાખેલું દ્રવ્ય અને સાધર્મિકને ભક્તિથી અર્પિત કરાતું દ્રવ્ય - એ બેમાં તફાવત છે. અલગ રાખેલા દ્રવ્યથી સાધર્મિકની ભક્તિ થઈ શકે છે. પરંતુ સાધર્મિકને અર્પિત કરેલા દ્રવ્યને એની પાસેથી પાછું માંગીને પુનઃ તેમની ભક્તિ કરી શકાતી નથી.
આવો જ તફાવત દેવદ્રવ્યના વિષયમાં છે. દેવસંબંધી કાર્ય માટે અલગ રાખેલા દ્રવ્યથી દેવસંબંધી ભક્તિ થઈ શકે છે અને ઉછામણી દ્વારા કે પ્રભુસમક્ષ મૂકેલા ભંડારમાં દ્રવ્ય અર્પણ કર્યા પછી, તે દ્રવ્યથી પુનઃ પ્રભુની ભક્તિ થઈ શકતી નથી. આથી પૂર્વનિર્દિષ્ટ ભેદો તાત્ત્વિક છે. કાલ્પનિક નથી.