________________
[૩૪ ]
_ગૃહસ્થ ધર્મ ભોજકાદિ આવ્યા હોય તો શ્રદ્ધાળું ગૃહસ્થોએ યથાશક્તિ યથાયોગ્ય દાન આપવું, ધર્મનો મહિમા વધારનાર યાચકોને દાન આપવું તે ગૃહસ્થોની ફરજ છે.
વ્યાખ્યાન પૂર્ણ થયા બાદ, ધર્મશ્રવણનું ફળ વિરતિ છે. ત્યાગ છે. ઈચ્છાઓને કાબૂમાં લેવી તે છે, એમ ધારી યથાશક્તિ વ્રતપચ્ચશ્માણ-નિયમો કરવા. કોઈ પણ દુર્ગુણનો સદાને માટે ત્યાગ બની ન શકે તો, અમુક મુદત માટે પણ ત્યાગ કરવો, અથવા અમુક સદ્ગુણ ખીલવવા માટેનો પ્રયત્ન અત્યારથી જ ચાલુ કરવાનો નિયમ લેવો, પણ વ્યાખ્યાન શ્રવણ કર્યા બાદ નિયમ લીધા સિવાય રહેવું નહિ. કયો નિયમ લેવો તેનો કાંઈ નિયમ નથી પણ પોતાને ફાયદો કરનાર, આવતાં કર્મને રોકનાર કે સદ્ગણમાં વધારો કરનાર કોઈ પણ નિયમ લેવો. લોકમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. એટલે નિરંતર થોડા થોડા સગુણો વધારતા રહીએ, તોપણ કાળાંતરે આપણે દુર્ગુણ વિનાના અને સદ્ગુણોથી ભરપુર જીવનવાળા થઈ શકીએ.
વળી ધર્મ સાંભળવાનો હેતુ પણ એજ છે કે દુર્ગુણી મટી સદ્ગુણી થવું. દુઃખી મટી સુખી થવું. આળસુ મટી ઉત્તમ ઉદ્યમી થવું. સ્વાર્થી મટી પરમાર્થી થવું. દેહાદિની આશક્તિ મૂકી આત્મામાં પ્રેમ રાખવા શીખવું. સત્કાર્યો કરી જન્મમરણના ફેરાથી છૂટા થવું. હલકી, શુદ્ર, સ્વાર્થી ઇચ્છાઓને રોકવી અને મન તથા ઇન્દ્રિયો ઉપર કાબૂ રાખવો. તપ પણ આનું જ નામ છે. આવો તપ નિરંતર કરવાનો અભિગ્રહ લેવો એ આગળ વધવાની નિશાની છે.
ધર્મ શ્રવણના ફળરૂપવિરતિ કરવાનું જે કહેવામાં આવ્યું છે, તે પ્રમાણે ગૃહસ્થોએ ગૃહસ્થ ધર્મના ભૂષણરૂપ અને સ્થૂલથી પણ કર્મ રોકવાનાં કારણભૂત પોતાની શક્તિ અનુસારે બાર વ્રતો ગ્રહણ કરવાં જોઈએ.