________________
તીર્થયાત્રા
[ ૧૯૩ ] લાગણીના પ્રમાણમાં ફાયદાજનક થાય છે અને આવી લાગણીઓ કે ભાવનાઓની વૃદ્ધિ આ મહાત્માઓના ઉપદેશથી જ થાય છે માટે સ્થાવર તીર્થ કરતાં આ જંગમ તીર્થ ભૂત સમદર્શી-આત્મજ્ઞાનીસાધુઓ અધિક ફાયદો કરનારા છે એ વાત ધ્યાનમાં રાખી તીર્થ ભૂમિમાં જતાં જ આવા મહાન પુરુષો કોઈ અહીં છે કે નહિ, તેની પ્રથમ તપાસ કરવી, તેમની પાસે જવું, વંદન કરવું, ભોજન આદિ તેમને આપવાં, તેમનો સંગ કરવો, સત્ય પૂછવું, સત્ય સંભળાવવા વિનંતી કરવી, પોતાનું કર્તવ્ય બતાવવા કહેવું અને તેઓ આપણી યોગ્યતાનુસાર જે કાંઈ કર્તવ્ય બતાવે તે પ્રમાણે એકાંત સ્થળે બેસી પ્રયત્ન કરવો. અને તે પ્રમાણે વર્તન કરવું.
જેટલા દિવસો તીર્થભૂમિમાં રહેવાય તેટલા દિવસ આવા જ્ઞાની પુરુષોની હિતશિક્ષાથી વંચિત ન રહેવું, પણ વખત મળતાં તેમની પાસે અમૂલ્ય આત્મહિતકારી કર્તવ્યો સાંભળવાં. સાંભળીને તરત દૂર ખસી જઈ કર્તવ્ય પરાયણ થવું પણ નકામો તેમના અમૂલ્ય વખતનો ભોગ ન લેવો. કારણ આપણા કરતા તેમનું જીવન દુનિયાને વધારે ઉપયોગી છે તેમાં વિદનભૂત ન થવું પણ કર્તવ્ય પૂછવામાં પાછા ન હઠવું. તેઓ મહાન દયાળુ હોય છે તેથી વખતનો ભોગ આપીને પણ આપણને રસ્તે ચડાવે છે.
તીર્થભૂમિમાં આવીને દાન આપવું, શીયળ પાળવું, તપશ્ચર્યા કરવી અને ભાવનાને સુધારવી તથા વધારવી, ગરીબ, અનાથ, રોગી, દુઃખી આદિનો ઉદ્ધાર થાય તેમાં દ્રવ્યનો ઉપયોગ કરવો, યોગ્ય મદદ આપવી. આવી રીતે કેટલા દિવસની અનુકૂળતા હોય તેટલા દિવસ ધર્મધ્યાનમાં પસાર કરી પાછા પોતાના વતન તરફ વળવું.
તીર્થભૂમિમાં વિશેષ રહેવું નહિ કેમ કે તેથી તીર્થનો આદર ઘટી જાય છે. પરિણામ નિર્વસ થાય છે. ખાવા, પીવા, બોલવા,