________________
સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
——
—
(૯)સંધ્યા વખતની ગૃહસ્થની ક્રિયા
દિવસનો આઠમો ભાગ બાકી રહે તે વખતે ગૃહસ્થોએ ભોજન કરી લેવું, રાત્રિએ બુદ્ધિમાનોએ ભોજન ન કરવું રાત્રે ભોજન કરતાં ચોમાસાના વખતમાં ઘણાં એવા ઝીણાં જંતુઓ થાય છે તે ઉડી ઉડીને ભાણામાં પડે છે. તે જીવોનો નાશ તો થાય છે, સાથે તેમાં કોઈ ઝેરી જંતુ ભોજનમાં આવી જાય તો શરીરને પણ મોટું નુકસાન થાય છે. કીડી ભોજનમાં આવી જાય તો બુદ્ધિનો નાશ થાય છે. જૂથી જળોદર થાય છે. કરોળિયાની લાળથી કોઢ થાય છે. ખડમાકડી જેવું પ્રાણી શરીર પર મૂતરી જતાં દાઝયાની માફક ફોલ્લા ઉત્પન્ન કરી મનુષ્યોને ત્રાસ પોકારાવે છે તો પછી ભોજનમાં રાત્રે તે ઉડતાં પ્રાણીના મૂત્રનો ભાગ આવી જાય તો ભયંકર દાહ કે પેટમાં રોગ થાય તેમાં આશ્ચર્ય શું છે? આ બન્નેથી બચવા માટે રાત્રિએ ન જમવું પણ દિવસે જમવું તે વધારે ડહાપણ ભરેલું છે.
વળી વહેલું ભોજન કર્યું હોય તો રાત્રીએ પ્રભુની પ્રાર્થના કે ધર્મધ્યાનાદિમાં બેસતા વધારે આળસ કે પ્રમાદ થતો નથી. ઊંઘ ઓછી આવે છે. કારણ કે ખાધેલો ખોરાક બે, ત્રણ કલાક જવા પછી પાચન થઈ જાય છે. સાંજે જમવાની જરૂર પડે તો ઘણો સાદો જલદી પાચન થાય તેવો અને થોડો આહાર જમવો તે વધારે યોગ્ય છે. ઘણો આહાર જમવાથી નિદ્રા તથા આળસ વધે છે. અજીર્યાદિ થતાં રોગોની વૃદ્ધિ થાય છે.
થોડા પાણીથી હાથ પગ અને મોઢું ધોઈને સાંજે ધૂપ અને દીપવડે વિતરાગ દેવની પૂજા ગૃહસ્થોએ કરવી અને તે પૂજા વખતે પૂર્વે કહી આવ્યા તેવી ભાવના પ્રબળ લાગણી સાથે ભાવવી.