________________
ભોજન જમતી વખતે પાળવા યોગ્ય સૂચના
[ ૧૨૫ ] મધ, તદ્દન કુણા ફળ કે પાંદડાં, સડી ગયેલ પાંદડાં કે ફળ, કુથિત અન્ન વાસી રાધેલું અનાજ, કાચા દહીં, દૂધ કે છાશ સાથે કઠોળ, બે દિવસ પછીનું દહીં, જીવોની ઉત્પત્તિવાળું બોળ અથાણું. ભૂમિ કંદ વગેરે. તથા ઘણા તીખા તમતમતા સ્વાદો વગેરેનો બને ત્યાં સુધી ખાવામાં ઉપયોગ ન કરવો. આ રાજસિક ખોરાક છે તેમ જ અનેક જંતુઓથી મિશ્રિત છે. તેથી શરીરમાં વિવિધ પ્રકારના વિકારો કે રોગો - થવાનો સંભવ છે.
ઘઉં, ચોખા, ઘી, સાકર, દૂધ વગેરે સાત્ત્વિક ખોરાક છે. તે લોહીને નિયમિત ગતિમાં રાખે છે. મલિન વિકારોને હઠાવનાર છે. સાત્ત્વિક વૃત્તિને ઉત્તેજીત કરનાર છે.
ભોજનની શરૂઆત કરતી વખતે પ્રથમ પાણી ન પીવું તેમ જ જમ્યા પછી વધારે પાણી ન પીવું, ભોજનની વચમાં પાણી મધ્યમસર પીવું. ભોજનની શરૂઆતમાં પાણી વિષ સમાન ગણાય છે. અંતમાં પથ્થર સમાન ગણાય છે. અને વચમાં પીધેલું પાણી અમૃત સમાન લેખાય છે. રોગી શરીરવાળાએ આ વાત પર વિશેષ ધ્યાન આપવું. અજીર્ણ થતાં ભોજનનો એકાદ વખત કે દિવસ માટે ત્યાગ કરી દેવો, તેથી અજીર્ણ મટી જાય છે પણ પાણી પૂરતી જરૂરિયાતના પ્રમાણમાં પીવું, તેથી વધારાનું ભોજન પાચન થઈ જાય છે. તેમ જ‘પ્રકૃતિને અનુકૂળ ભોજન બનતાં સુધી નિત્યના વખતસર જમી લેવું.