________________
માનસિક પૂજન
[ ૧૧૫ ]
તે પણ સફળ છે. અને તે પુરુષને ધન્ય છે ! ધન્ય છે ! ૧૬. હે પરમ પુરુષ પ્રભુ ! શામળા પ્રાર્શ્વનાથ ! આ મારી સેવા માન્ય કરો. હું આવી રીતે ભાવથી આત્મ પ્રભુની આપની સેવા કરું છું. મારો ભવનો આમળો-વળ-વિષમતા દૂર કરો. હે દેવ ! વાચકઉપાધ્યાય યશોવિજયજી આ પ્રમાણે આપની સેવા કરે છે. વિનંતી કરે છે. સુખકર પાર્શ્વપ્રભુ ! મારી સેવા અવધારો.
ઇતિશ્રી ભાવપૂજા વિષયે શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી કૃત સ્તવનં સમાપ્ત.
માનસિક પૂજન
દરેક મનુષ્યોએ નિરંતર પરમાત્માનું પૂજન કરવું જોઇએ. દેવપૂજન કર્યા સિવાય ભોજન નહિ કરવું. પૂર્વે કહી આવ્યા તેવી પૂજા કરવાની સામગ્રી ન હોય તેમણે માનસિક પૂજા કરવી. એટલે કોઈ જરૂરી પ્રસંગને લઈ વખત ન હોય, અથવા દેવમંદિરની જોગવાઈ ન હોય. અથવા દેવપૂજનની સામગ્રી ન હોય, શરીર અશક્ત હોય, અથવા જન્મ, મરણનું સૂતક હોય, અથવા શરીર શુદ્ધિ ન હોય. ઇત્યાદિ હરકોઈ કારણે પૂર્વે કહેલી દેવપૂજા બની શકે તેમ ન હોય તેઓએ આ આગળ બતાવવામાં આવે છે તેવી રીતે માનસિક પૂજા તો અવશ્ય કરવી. કેમ કે પૂજન કર્યાથી સમ્યક્ત્વ નિર્મલ થાય છે. મન વિશુદ્ધતાને પામે છે. પુન્યબળ વધે છે. ચિત્તની એકાગ્રતા થાય છે. અને જીવો ધ્યાન કરવા લાયકની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. વળી આ પૂજન કરવું તે ઘણું જ સહેલું છે. આ બાળ, યુવાન, સ્ત્રી, વૃદ્ધ, સધવા કે વિધવા સ્ત્રી ઇત્યાદિ સર્વ કોઈથી પણ બની શકે તેમ છે. છેવટની સ્થિતિમાં આવેલા રોગીઓઅશક્તો સૂતાં સૂતાં પણ ઘણી સહેલાઈથી આ માનસિક પૂજા કરી શકે છે. તેની વિધિ આ પ્રમાણે છે :