________________
અગિયારમું પૌષધ વ્રત
[ ૮૯ ] કે ગમે તે દિવસે આ ક્રિયા કરવાથી ગેરફાયદો તો નથી જ છતાં નિરંતર આ ક્રિયાઓમાં રહેતાં ગૃહસ્થાશ્રમ ચલાવવામાં હરકત પડે છે. નિરંતર આત્મભાવમાં રહેવાનું કામ તો ત્યાગમાર્ગમાં રહેલા મહાત્માઓનું છે, છતાં કોઈ સંપૂર્ણ સગવડતાની સામગ્રીવાળો તથા વ્યવહાર માર્ગથી . ફારગત થયેલો માણસ ઘણા લાંબા વખત સુધી આ ક્રિયામાં રહે તો તે બનવા યોગ્ય છે. આ વ્રત દેશથી અને સર્વેથી એમ બે પ્રકારે થાય છે. ચારે પ્રકારના આહારપાણીનો તે દિવસ માટે ત્યાગ કરવો તે આહાર ત્યાગ સર્વથી વ્રત છે પણ તેવી શક્તિ જેનામાં ન હોય તેમણે એક વખત ખાઈને એટલે આયંબિલ, નિવી, એકાસણું કરીને પણ પૌષધદ્રત કરવું. આવી જ રીતે શરીર સુશ્રુષા ગૃહવ્યાપાર અને અબ્રહ્મચર્યનો દિવસના અમુક ભાગમાં ત્યાગ અને સર્વથા ત્યાગ એમ બની શકે છે.
અહીં એટલું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે આહારનો, વ્યાપારનો કે શરીર સુશ્રુષાનો ત્યાગ કરવો એટલાથી જ સંપૂર્ણ કાર્ય થયું એમ માની લેવા જેવું નથી અથવા એજ કર્તવ્ય છે એથી સંતોષ પકડવાનો નથી પણ આ સર્વ ભોજનાદિ ક્રિયા આમાંથી બચેલા વખતનો ઉપયોગ આત્માને પોષણ મળે તેવા માર્ગે પ્રવૃત્તિ કરવામાં રોકવાનો છે. મનનો ધર્મ જ એવો છે કે તેને કાંઈ કામ જોઈએ જ. નવરું બેઠું નખોદ વાળે. આ ન્યાયે વ્યવહારના અને શરીરના કાર્ય માત્રથી પાછા હઠાવેલા મનને પણ કોઈ સારા માર્ગમાં વાળવું જોઈએ જો તેમ કરવામાં નહિ આવે તો ખરાબ વિચાર કરી ઊલટા તમને કર્મબંધથી બંધિત કરશે આ માટે તે દિવસ પરમાત્માના સ્મરણમાં, આત્મગુણના મનનમાં કે આત્મ સ્વરૂપમાં લીન થવામાં અર્થાત્ જ્ઞાન ધ્યાનમાં પસાર કરવો જોઇએ અને તે સાથે વિચાર કે સરખામણી કરવી કે આજની મારી આ ક્રિયાથી મારા વર્તન ઉપર કે મન ઉપર કેવી અસર થઈ છે? પષધનું ફળ આત્મગુણને પોષણ મળવું જોઈએ