________________
પ્રસ્તાવના
અનંત ઉપકારી શ્રીજિનેશ્વર ભગવંતોનો પરમ તારક ઉપદેશ જે ગણધર ભગવંતો દ્વારા ગ્રથિત છે, તે આચારાંગ આદિ આગમ સાહિત્ય પ્રાકૃત ભાષામાં છે.
તેમાં પ્રવેશ માટે તથા પછીના મહાપુરુષો દ્વારા રચિત સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોના અભ્યાસમાટે પણ સંસ્કૃત ભાષા શીખવી અનિવાર્ય છે.
આ સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે પાણિની, ચન્દ્રિકા, સિદ્ધહેમ વિગેરે અનેક વિસ્તૃત વ્યાકરણ ગ્રંથો છે.
જે શીખવા માટે પૂર્ણ ધીરજ તેમજ લાંબા સમયના શ્રમની દરેક પાસે અપેક્ષા રાખી શકાય નહીં. આ સ્થિતિમાં ભાષા-નિષ્ણાતોએ ઓછી મહેનતે અને ટુંક સમયમાં સંસ્કૃત ભાષા શીખી શકાય તે માટે સરળ પદ્ધતિઓ અપનાવીને પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યા છે.
આવા પુસ્તકોમાં શ્રી ભાંડારકરજીના પાઠ્ય પુસ્તકોનું આગવું સ્થાન છે. આ પુસ્તકોના નામ છેઃ
(૧) સંસ્કૃત માર્ગોપદેશિકા અને (૨) સંસ્કૃત મન્દિરાન્તઃ પ્રવેશિકા
પ્રસ્તુત પુસ્તક ‘સંસ્કૃત માર્ગોપદેશિકા ’’ નું જ સુંદર રૂપાંતર છે. એને વધુ સુબોધ બનાવવા માટે મુનિ શ્રી રત્નરાજવિજયજીએ તેના નિયમોને ભાષાકીય દૃષ્ટિએ સરળ બનાવીને, પ્રત્યેક પાઠના કોશને પુંલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ આદિ અલગ પાડીને, અકારાદિ (આલ્ફાબેટિકલ) ક્રમથી ગોઠવીને મૂક્યા છે, તથા પુસ્તકના અંતે પણ અગત્યના નિયમોને ટુંકમાં મૂકી દીધા છે.
આનિયમોને સુગમ બનાવવા માટે સ્વ. પ. પૂ. વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુ સૂરિજી મ.સા. તથા સ્વ.પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મ.સા. દ્વારા સંકલિત નિયમાવલીનો ડગલે ને પગલે ઉપયોગ કરાયો છે.
આ પુસ્તકને અનુરૂપ તેનું નામ “સુબોધ સંસ્કૃત માર્ગોપદેશિકા” રાખેલ છે તે
ઉચિત જ છે.
· મુમુક્ષુઓ આનો લાભ લઈ આગળ વધે એ જ શુભાભિલાષ.
→વિ. કુલચન્દ્રસૂરિ ૨૦૫૬, ચૈત્ર વદ-૧૨
અમદાવાદ