________________
૩૮૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ નવાં કર્મનો સંચય કરી બંધ બાંધે છે. તે સર્વ પન્નવણાજીના કર્મ પ્રકૃતિ પદથી સમજવું. મન હમેશાં ચંચળ અને ચપળ છે અને તે કર્મ સંચય કરવામાં અપ્રમાદી, અને કર્મ છોડવામાં પ્રમાદી છે. તેથી લોકમાં રહેલા જડ ચૈતન્ય પદાર્થો સાથે, રાગ-દ્વેષની મદદ વડે, જોડાય છે તેથી તેને મન જોગ કહીને બોલાવાય છે. એવા મન જોગથી નવા કર્મની આવક આવે છે. તેનો પાંચ ઈદ્રિયદ્વારા ભોગોપભોગ કરે છે. એમ એક પછી એક વિપાકનો ઉદય થાય છે. તે સર્વનું મૂળ મોહ છે. તે પછી મન, તે પછી ઇન્દ્રિય વિષય અને તેનાથી પ્રમાદ વધે છે. તેવા પ્રમાદને વશ પડેલો પ્રાણી ઈદ્રિયોનું પોષણ કરવાના રસ સિવાય, રત્નત્રયાત્મક અભેદાનંદના આનંદની લહેરનો રસીલો થઈ શકતો નથી. તે બદલ ઉંચનીચ કર્મના ખેંચાણથી નરક વિગેરે ચારે ગતિમાં જવ આવ કરે છે. તેમાં વિશેષ કરીને દેવ ગતિ સિવાય ત્રણ ગતિમાં જન્મ અશુચિથી ભરેલાં છે. તેમાં પણ નરકકુંડમાં તો કેવળ મળ, મૂત્ર અને માંસ રૂધીરનો કાદવ ભરેલો છે. તેમાં છેદન ભેદન થવાનું ભયંકર દુઃખ છે. તે દુઃખનો ચિતાર સુયગડાંગ સૂત્રથી જાણવો ત્યાંથી મનુષ્ય-તિર્યંચની ગતિમાં આવે છે. ત્યાં ગર્ભવાસ મળે છે. તે કેવળ અશુદ્ધ અને અશુચિનો ભંડાર છે. પાયખાનાની અપેક્ષાએ જોતાં તે કાયમ અખૂટ કીચથી ભરેલો છે. તે ગર્ભસ્થાન નરક સ્થાનનું ભાન કરાવે છે, તેમજ ઉપજનારો જીવ નરકમાં નારીના નમુનાનું ભાન કરાવે છે. ફેર માત્ર આટલો જ કે નરકમાં છેદન, ભેદન, તાડન, તરણા, ખાંડણ, પીસણ અને દહન સાથે દશ પ્રકારની ક્ષેત્ર વેદના છે, તે ગર્ભમાં નથી, પણ ગતિના પ્રમાણમાં ભયંકર કષ્ટ ને દુઃખ છે.