________________
જૈનશાસ્ત્રમાં સમર્થ આચાર્યોએ સ્તોત્રો, પૂજનના અનુષ્ઠાનો રચ્યાં તેમાં તે સ્તોત્રો અને એ પૂજનોને ફળમાં ભુક્તિ-મુક્તિપ્રદ કહ્યાં છે. જૈનધર્મ અને તેની સમગ્ર આરાધના, સાધનાનું આખરી લક્ષ્ય મુક્તિ-મોક્ષ છે, એ એનું ધ્રુવબિન્દુ છે. એ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને જૈનધર્મની આખી ઇમારત ઊભી કરવામાં આવી છે. એટલે જૈનધર્મની તમામ નાની-મોટી કોઇપણ ક્રિયા, સાધના, મેળવેલું જ્ઞાન, સંયમ, ક્રિયા, વૈયાવચ્ચ, દાન, પુણ્ય, પરોપકાર, તપ, ત્યાગ, જપ, વ્રત, અનુષ્ઠાન, પૂજન વગેરે કોઇપણ બાબત ન્યૂનાધિકપણે ઓછી-વત્તી રીતે પણ મુક્તિના લક્ષ્યને, મુક્તિની ભાવનાને અને મુક્તિના માર્ગને સ્પર્શતી હોય તો એ તમારાં સાધના અને અનુષ્ઠાનો સમ્યગ્ છે, સાચાં છે અને અનુમોદનીય છે.
આટલી સામાન્ય ભૂમિકા કરીને પ્રસ્તુત વાત કરીએ.
અહીંયા ૠષિમંડલયન્ત્રના પૂજન અંગે થોડુંક કહેવાનું છે.
ઋષિમંડલ શબ્દનો અર્થ શું?
ઋષિમંડલ એટલે શું? આપણે ત્યાં ઋષિ, મહર્ષિ અને પરમર્ષિ ત્રણ શબ્દો જાણીતા છે. ત્રણેય શબ્દો તીર્થંકરોનાં વિશેષણ થઇ શકે છે. જેમણે ઋષિમંડલસ્તોત્ર, પૂજન વગેરે રચ્યું હશે એમણે પોતાની પસંદગી ‘ઋષિ’ શબ્દ ઉપર ઉતારી. ઋષિ એટલે તીર્થંકર...ઋષિમંડલના કેન્દ્રમાં ૨૪ તીર્થંકરો ચારેબાજુ થઇને સ્થાપિત થયેલા છે, એટલે સામાન્ય રીતે મંડલ કહી શકાય. મંડલ શબ્દથી સીધો ખ્યાલ ગોળાકારનો આવે. પણ અહીંયા મંડલનો બીજો અર્થ સમૂહ પણ થાય છે. સમૂહ જેમકે ‘યુવકમંડળ’ જેની અંદર તીર્થંકરોના સમૂહની સ્થાપના કરવામાં આવી હોય એવો જે કોઈ ‘યન્ત્ર' તેને ઋષિમંડલયન્ત્ર કહેવાય.
કોઇને એમ પ્રશ્ન થાય કે બીજાં ઘણાં નામ હતાં, તો શું બીજા નામની પસંદગી થઈ ન શકત? જરૂર થઇ શકત, પણ હંમેશા દરેકની રુચિ અને દરેકના ગર્ભિત આશયો ભિન્ન ભિન્ન હોય છે એટલે આવા પ્રશ્નની કે તેના જવાબની અહીં કોઇ અગત્ય નથી. ઋષિમંડલ શબ્દના અર્થની વાત પૂર્ણ થઈ.
* એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે ઋષિમંડલસ્તોત્રની કોઇ ટીકા, ટબો મળતો નથી, અર્થવાળી ખાસ પ્રતો મળતી નથી. પૂજનની પ્રતો પણ અનેક પ્રકારની મળે છે. આપણે ત્યાં મન્ત્ર-યન્ત્ર અને પૂજન પરંપરા જેવું સુવ્યવસ્થિત લખાણ મળતું નથી. આ તો એકબીજી વિધિઓ જોઈ પ્રચારમાં જે વિધિઓ આવી છે, તેને જ માન આપવું અને તે જાળવી રાખવી, એ જ શ્રેયસ્કર માર્ગ છે, એમ સમજીને પ્રચલિત વિધિઓ અને મારા આ ક્ષેત્રના અલ્પ-સ્વલ્પ અનુભવનું મિશ્રણ કરીને અહીંયા પૂર્વસેવા વગેરે વિધિઓ આપી છે, હસ્તલિખિત પ્રતોમાં જાતજાતની ભિન્નતાઓ છે.
હવે યન્ત્ર એટલે શું?
યન્નના ઘણા અર્થો છે. પૂજનની પ્રતમાં તો ઇશારો કાફી છે. ટૂંકમાં યન્ત્ર એટલે મન્ત્રનો [ ૫૩૬ ]