________________
આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત
સ્ટોગ્રાવલીની પ્રસ્તાવના
વિ. સં. ૨૦૩૧
ઇ.સન્ ૧૯૭૫
૩૪
પ્રધાન સંપાદકનાં પુરોવચન
સત્તરમી સદીના મહાન જ્યોતિર્ધર ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત સ્તોત્ર-સ્તવાદિકની સંસ્કૃત પદ્યમય કૃતિઓનું ‘યશોભારતી જૈન પ્રકાશન સમિતિ' તરફથી પ્રકાશન થતાં હું અત્યંત આનંદ અને અહોભાવની લાગણી બે કારણે અનુભવું છું. પ્રથમ કારણ એ કે એક મહાપુરુષની સંસ્કૃત ભાષામાં પદ્યબદ્ધ થયેલી મહાન કૃતિઓના પ્રકાશનની જવાબદારીથી હું હળવો થઇ રહ્યો છું અને બીજું કારણ એ કે તમામ કૃતિઓ હિન્દી અર્થ સાથે બહાર પડી રહી છે તે.
હિન્દી ભાષાંતર સહિત આ સ્તોત્રો હોવાથી તેનું પઠન-પાઠન જરૂર વધવા પામશે. ભકિતભાવભરી તથા કાવ્ય અને અલંકારની દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણાતી કૃતિઓનો આહ્લાદક રસાસ્વાદ વાચકો જરૂર અનુભવશે. એ દ્વારા જીવનમાં અનેક પ્રેરણાઓ મેળવી અનેક આત્માઓ ભકિતમાર્ગોન્મુખ બનશે, અને વીતરાગની ભિકત જીવનને વીતરાગભાવ તરફ દોરી જશે.
આ કૃતિઓ પૈકી અમુક કૃતિના તથા અન્ય કૃતિઓના કેટલાક શ્લોકોના પ્રાથમિક ગુજરાતી અનુવાદો મેં કરેલા. જે કૃતિઓ દાર્શનિક તથા તર્કન્યાયથી વધુ સભર હતી તે કૃતિઓના અનુવાદનું કાર્ય એકાંત અને ખૂબ સમય માગી લે તેવું હતું, વળી અમુક કૃતિઓ તથા અમુક શ્લોકોના અનુવાદનું કાર્ય મારા માટે પણ દુ:શક્ય હતું. આમ છતાંય વહેલો મોડો સમય મેળવીને, પરિશ્રમ સેવીને, જરૂર પડે ત્યાં અન્યનો સહકાર મેળવીને પણ ઉપાધ્યાયજી ભગવંતની કૃતિઓના અનુવાદની આ નાની સેવા મારે જ કરવી એવા મારા માનસિક હઠાગ્રહને કારણે વરસો સુધી આ કાર્ય બીજા કોઈને સુપરત ન કર્યું.