________________
માતૃભક્ત મહાવીર [પ્રવચનની પૂર્વભૂમિકા].
ભારતની આ પવિત્ર ધરતી ઉપર પ્રાચીનકાળથી જ સંતો, મહંતો અને અરિહંતો અવતરતા રહ્યા છે અને જગતના જીવોને કલ્યાણનો માર્ગ ચીંધતા રહ્યા છે.
આ ભારતની ધરતી પર જે કેટલાક ધર્મો પ્રારંભથી વિકસ્યા, એમાં મુખ્યત્વે ત્રણ ધારાઓ રહી :
(૧) હિંદુ પરંપરાની સનાતન ધર્મ પરંપરા (૨) બૌધ્ધ ધર્મની પરંપરા (૩) જૈન ધર્મની પરંપરા
આ ત્રણેય પરંપરા ભારતની અત્યંત પ્રાચીન ધર્મ પરંપરા છે અને ત્રણેય પરંપરાઓએ પાયાના કેટલાક મૌલિક તત્ત્વોનો સ્વીકાર કર્યો છે. આત્મ તત્ત્વનો સ્વીકાર કર્યો છે, પરમાત્મ તત્ત્વનો સ્વીકાર પણ કર્યો છે અને પરલોકની માન્યતાને તથા પુનર્જન્મની માન્યતાને પણ ત્રણેય ધર્મોએ સ્વીકારી છે.