________________
જેમના હૃદયમાં વૈરાગ્ય ઉછાળા મારી રહ્યો છે, એ ભગવાન મહાવીર પાસે માતા ત્રિશલા આવે છે એટલે ભગવાન ઉભા થઈ જાય છે ને હાથ જોડી પૂછે છે કે “મા કેમ આવી?
ત્યારે માં કહે છે, “બેટા, તારાં મુખનાં દર્શન કરવાની તલપ લાગી એટલે દોડી આવી. બેટા, મારે તો તારા સમાચાર સાંભળવા છે એટલા માટે દોડી આવી છું. બેટા, તું ના પાડીશ નહિ, ના પાડીશ તો મારું હૃદય તૂટી પડશે. બેટા, એક વખત મારા આત્માને રાજી કરવા ખાતર હા પાડી દે. સમરવીરની એ કન્યા યશોધરાનું પાણિગ્રહણ તારે કરવાનું છે.'
અને મહાવીરને પોતાની પ્રતિજ્ઞા તરત જ યાદ આવી ગઈ કે મેં તો ગર્ભકાળમાં પ્રતિજ્ઞા લીધી હતી કે, મારી માને દુઃખ થાય એવું કોઈ પગલું હું નહિ ભરું, અને તેઓ જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી હું સંસારનો ત્યાગ નહિ કરું. અને આજે મારી મા મારા જીવનનો એક મંગળ પ્રસંગ જોવા માગે છે ને એના આત્માને આનંદ થતો હોય તો ભલે થાય.”
ભગવાન મહાવીરના જીવનના એકેએક પ્રસંગો અદ્ભુત છે, આપણા માટે એક આદર્શરૂપ છે. મહાપુરુષોના જીવનચરિત્રોને ચરિત્રોની રીતે માત્ર સાંભળશો નહિ. વાર્તાને વાર્તાની રીતે માત્ર વાંચી જશો નહિ પરંતુ એ બધામાં ડગલેને પગલે જીવનની સફળતાના રહસ્યો પડેલાં છે, પ્રેરણાઓ પડેલી છે એને ઝીલવાનો પ્રયત્ન કરજો. મહાપુરુષોના જીવનચરિત્રો તો આપણા જીવન માટેના માર્ગદર્શક નકશા છે, જીવનના પ્લાન છે એના આધારે આપણે આપણા જીવનનો મહેલ ઉભો કરવાનો છે.
૩૮