________________
તમને ખબર છે ?
તમે તો ગર્ભમાં રહ્યું રહ્યું એને લાતો મારી હશે, એને દુઃખી કરી હશે, જન્મ્યા પછી એના ખોળા ગંદા કર્યા હશે, મળ અને મૂત્ર વડે એને ગંદી કરી મૂકી હશે, આખો દિવસ ને રાત રડી-રડીને એને હેરાન-પરેશાન કરી મૂકી હશે, એને ઉંઘવા દીધી નહિ હોયને એ વખતે તમારાથી કંટાળી જઈને, તમારી નાનકડી-અનાથ અવસ્થામાં એણે તમારી ડોક મરડી નાખી નથી એ શું એનો ઓછો ઉપકાર છે?
કલ્પના કરો કે એ વખતે તમારા ત્રાસથી કંટાળેલી માએ તમારી ડોક મરડી નાખી હોત તો તમે આ દુનિયામાં હોત ખરા ? તમને જન્મતાંની સાથે જ તરછોડીને, રખડતા મૂકીને મા ચાલી ગઈ હોત તો તમે આ દુનિયામાં કયાં હોત ?
“માબાપે શું કર્યું અમારા માટે ?” આવો સવાલ કોઈ યુવાન કરે ત્યારે એમ થાય છે કે આ માણસ માણસ કહેવડાવવાને લાયક નથી.
“મારી માએ મારા માટે શું કર્યું ?' એમ કહેનારને એમ કહેવાનું કે “તારી માએ તારા માટે શું નથી કર્યું ? નવ-નવ મહિના સુધી તને પેટમાં ઉપાડીને ચાલી, ગર્ભમાં તને સાચવવાની કેટલી કાળજી રાખી, પછી ઘણી વેદના વેઠીને અને ચીસો પાડીને પણ તને જન્મ આપ્યો, જન્મ આપ્યા પછી તારી સતત સંભાળ રાખી, તને તકલીફ ન થાય એ માટે એણે ખાવા-પીવાનું છોડવું, ઉંઘવાનું છોડયું, એનું હરવા-ફરવાનું છોડયું, એણે પોતાના મોજશોખ છોડયા, એ બધા માના ઓછા ઉપકારો છે ?'