________________
મારું મોટું જોશે ત્યારે એમનો એ પ્રેમ, એમનો મારા પ્રત્યેનો અનુરાગ કેવા ઉછાળા મારશે ? આવા પ્રેમાળ માતાપિતાને દુઃખી તો કેમ કરાય?'
એમ વિચાર કરતાં વળી પાછો આગળ વિચાર આવ્યો, “અત્યારે હું આ ગર્ભમાં આઘોપાછો થાઉં, હાથપગ હલાવું તો મારી માતાને કેટલું બધું કષ્ટ પહોંચે ? જે મને આટલો પ્રેમ આપે છે એને મારાથી કષ્ટ શી રીતે આપી શકાય ? ના, ના... મારે માને દુ:ખી નથી કરવી. એના કરતાં તો હું શાંતિથી સ્થિર પડયો રહું તો કેવું સારૂં!'
એટલે વર્ધમાનકુમારે ગર્ભમાં રહ્યું રહ્યું હાથપગ હલાવવાનાં બંધ કર્યા. અંગોપાંગ સ્થિર કરી દીધા. માતાને કષ્ટ ન થાય, એને તકલીફ ન થાય તે માટે વર્ધમાનકુમારે તો ગર્ભમાં હલનચલન બંધ કર્યું પણ એ સદૂભાવના માતાને દુઃખી કરનારી બની ગઈ.
એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રણ દિવસ ગયા ને માતા ત્રિશલા તો ઉદાસ થઈ ગયાં. એમને એમ થઈ ગયું કે “પહેલાં તો મારા શરીરમાં ગર્ભ હાલતો હતો, ને હમણાં હમણાં બે દિવસથી ગર્ભનું એ હલનચલન બંધ થઈ ગયું છે... શું થઈ ગયું હશે ? ગર્ભ પડી ગયો હશે ? બાળકનું મૃત્યુ થયું હશે ?.. અરે રે, મારું આ શું થઈ ગયું?”
..ને મનથી દુઃખી થયેલા માતા ત્રિશલા કાળું કલ્પાંત કરવા લાગ્યાં. એ ખાતાં નથી, પીતાં નથી, કોઈની સાથે બોલતાં નથી. એ તો ઉદાસ થઈને બેસી રહે છે, મારા ગર્ભનું શું થયું હશે એમ વિચારીને ચોધાર આંસુએ રડે છે.
૨૦