________________
આપણે પણ આપણા પરિવારને, આપણા બાળકોને સુખી જોવા ઈચ્છતા હોઈએ તો, આપણે એમને ક્યો વારસો સોંપવો? એ વિચારી લેજો. તમારા સંતાનોને તમારે ક્યો વારસો આપવો છે? માત્ર ધંધાનો જ વારસો આપશો ? માત્ર પૈસાનો જ વારસો આપશો ? કે ધર્મનો અને સંસ્કારનો પણ વારસો આપવો છે?
યાદ રાખજો, જ્યાં સુધી આત્મા ધર્મની સાથે નહિ જોડાય ત્યાં સુધી એના જીવનમાં દુઃખોનો અંત આવવાનો નથી, ધન તમને સુખની સામગ્રી અપાવી શકશે પણ સુખની અનુભૂતિ નહિ અપાવી શકે.
સુખની સામગ્રી મળવી એક જૂદી વસ્તુ છે અને સુખની અનુભૂતિ મળવી એ જુદી વસ્તુ છે. સંપત્તિ-પૈસો એ તમને સુખનાં સાધનો અપાવી શકશે, સામગ્રીઓ અપાવી શકશે, પણ સુખ અપાવી શકશે એવી ભ્રમણામાં રહેતા નહિ.
અઢળક સંપત્તિના સ્વામીઓ પણ આજે ભયંકર દુ:ખી છે. ધર્મની અનુભૂતિ વિનાના શ્રીમંતો જેટલા દયાપાત્ર આજે કદાચ બીજા કોઈ નહિ હોય. એ અંતરથી દુઃખી છે, કારણ કે એમની પાસે સંપત્તિ છે, પણ ધર્મ નથી.
જે શ્રીમંતોએ માત્ર પૈસાને પ્રાધાન્ય આપ્યું હશે, એ ઉદ્યોગપતિ હશે, મીલમાલિક હશે, કે ગમે એવો મોટો વેપારી હશે, પણ એની પાસે જો કોઈ સાધન નહિ હોય, પરમાત્માની કોઈ ઉપાસના નહિ હોય, જો તત્ત્વજ્ઞાનનાં ઝરણાં એના હૃદયને ભીજવતાં નહિ હોય તો એ શ્રીમંત હોવા છતાં આંતરિક રીતે ભયંકર દુઃખી હશે.