________________
એને જગતકર્તા તરીકે સ્વીકાર્યો નથી. કારણ કે જગતનો કર્તા જો ઈશ્વરને માનીએ તો એમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે, ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે કે જેના કા૨ણે ઈશ્વરનું દિવ્ય અને અદ્ભૂત સ્વરૂપ ખંડિત થાય છે.
એક માન્યતા એવી છે કે બ્રહ્માજીએ દુનિયાનું સર્જન કર્યું. શામાંથી કર્યું ? તો કહે ઃ એક ઈંડુ હતું, એ ફૂટ્યું અને એમાંથી દુનિયા બનાવી !
:
સવાલ ત્યાં આવશે કે, ઈંડુ ક્યાંથી આવ્યું ? ઈંડાને કોણે બનાવ્યું ? બ્રહ્માજીને કોણે બનાવ્યા ? ભગવાનને કોણે બનાવ્યા ? તો કહે : એ તો હતા જ. એટલે કે એ તો અનાદિ કાળથી હતા જ એવું સ્વીકારી લીધું. હવે જો એમ માનો કે ભગવાને આ દુનિયા બનાવી છે, ભગવાન જ બધું ચલાવી રહ્યા છે તો એમાં ક્યાંક ભગવાનનું સ્વરૂપ થોડુંક ખંડિત થાય છે.
પહેલી વાત એ કે, ભગવાન કેવા હોય ? શક્તિશાળી હોય કે નબળા હોય ? પૂર્ણ શક્તિશાળી જ હોય ને ! બીજી વાત : ભગવાન દયાળુ હોય કે કઠોર હૃદયના હોય ? સ્વાભાવિક છે કે દયાળુ જ હોય. તો જે માણસ શક્તિશાળી છે, દયાળુ છે એ દુનિયાને આવી વિચિત્ર શું કામ બનાવે ? કોઈકને દુઃખી બનાવ્યો, કોઈકને આંધળો બનાવ્યો, કોઈકને લંગડો બનાવ્યો, કોઈકને પાંગળો બનાવ્યો, કોઈકને મૂર્ખ બનાવ્યો, કોઈકને બુધ્ધિશાળી બનાવ્યો. ભગવાન કોઈ દિવસ પક્ષપાતી હોઈ શકે ખરા ? આ સવાલ ઉભા થયા.