________________
અરિહંત બની શકે તો એમાં કોઈ આશ્ચર્ય નથી અને એવા અરિહંતો દરેક કાળની અંદર ચોવીસ તીર્થકરોના રૂપમાં થતાં રહ્યાં છે.
જૈન ધર્મની કાળગણના પણ થોડી અલગ છે. હિંદુ પરંપરામાં દ્વાપરયુગ, ત્રેતાયુગ, સતયુગ અને કળિયુગ ના વિભાગો કરી કાળગણના કરવામાં આવી છે.
જૈન ધર્મે કાળગણના જરા જુદી રીતે કરી છે. એને ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ તરીકે ઓળખવામાં આવે છે. (ચડતો કાળ અને પડતો કાળ) આવા એક એક ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળના છ-છ ટૂકડાઓ પાડવામાં આવેલા છે જેને જૈનધર્મમાં છ આરા કહેવામાં આવે છે.
અત્યારે આપણે એ વિષયમાં ઊંડા નથી ઉતરવું. ઉત્સર્પિણી કાળમાં પણ ૨૪ તીર્થંકરો થાય છે અને અવસર્પિણી કાળમાં પણ ૨૪ તીર્થંકરો થાય છે. દરેક એક કાળના ટૂકડામાં ૨૪ આત્માઓ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે જગતકલ્યાણનો જબરદસ્ત પુરૂષાર્થ કરીને, ધર્મતીર્થની સ્થાપના કરીને, ધર્મશાસનનું નાવડું તરતું મૂકીને અનંત આત્માઓના કલ્યાણનું કારણ બની જાય છે અને એવા આત્માઓનો પરમાત્મ તત્ત્વ તરીકે, પરમાત્મા તરીકે જૈનધર્મમાં સ્વીકાર કર્યો છે.
પરંતુ ફરક ક્યાં પડે છે? જૈનોને નિરીશ્વરવાદી કેમ ગણવામાં આવ્યા ? એવી ભૂલ કેમ થઈ ? એવી ગેરસમજ કેમ થઈ ? એનું કારણ એ છે કે કેટલીક ધર્મ પરંપરાઓએ જગતકર્તા તરીકે ઈશ્વરને સ્વીકાર્યો. જ્યારે જૈન પરંપરાએ ઈશ્વર તત્ત્વનો સ્વીકાર તો કર્યો પણ