________________
સૌ પગે લાગ્યા. રતિસુંદરીને લઈને ચંદ્રકુમાર ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. સાસરવાસો ઘણો લઈને, રતિસુંદરી પતિ સાથે ચાલી.
ધર્મભગિની ત્રિલોચના દેવીનું કુમારે સ્મરણ કરતાં દેવી હાજર થઈ. કુમારે કાશી દેશમાં પિતાને સંદેશો આપવા માટે ત્રિલોચનાને રવાના કરી. ઘણા મોટા રસાલા સાથે કુમાર જનની અને જન્મભૂમિને નમવા તથા પિતાને ભેટવા ઊતાવળે જઈ રહ્યો હતો. ભરૂચથી ભૃગુ રાજાને સાથે લીધા. ભૃગુ રાજા આદિ સૌ કુમારની સાથે ગગનમાર્ગે જતાં કાશી નગરની બહાર ઉદ્યાનમાં પહોંચી ગયા. કાશી નરેશ મહસેન મહારાજાને, દેવી ત્રિલોચનાએ વધામણી આપી. પુત્રના આગમનના સમાચાર સાંભળી મહસેન રાજા ઘણો આનંદ પામ્યો. ત્રિલોચનાને વધાઈની ભેટ આપી દીધી. ત્યારપછી દેવી ત્રિલોચના રાજાના ચરણે નમસ્કાર કરી, આજ્ઞા લઈને વારાણસી શણગારવા ચાલી ગઈ. દેવીને વળી દૈવી શકિત શું બાકી રહે? વારાણસી નગરી સાક્ષાત્ ઈન્દ્રપુરી સમ શણગારી દીધી. કુમારની માતા રનવતી તથા પ્રથમ પ્રિયા ગુણસુંદરીની પાસે ત્રિલોચના દેવી જઈ પહોંચી. કાનને પ્રિય એવા પુત્ર તથા પતિના આગમનના સમાચાર આપીને હર્ષના પુરમાં ખેંચી લીધા. ત્રિલોચના દેવીએ તે બંનેને રત્નભૂષણોની પેટી આપી. વળી પોતાના બંધુને રહેવા માટે દિવ્યમહેલ સાત માળનો બનાવી દીધો. પોતાનું સઘળું કાર્ય પતાવી કુમારને મળી પોતાને સ્થાને ગઈ.
માતપિતા મળ્યાં
જ્યારે આ તરફ ઉદ્યાનમાં પરિવાર સહિત ચંદ્રશેખરકુમાર વિમાન થકી ઊતર્યો. ઉદ્યાનપાલકે કાશી નગરમાં આવી મહસેન રાજાને પુત્ર આગમનની વધાઈ આપી. કહે - હે મહારાજા ! યુવરાજ ચંદ્રશેખર ચતુરંગી સેના સાથે ઉદ્યાનમાં પધાર્યા છે.
રાજાએ ઉદ્યાનપાલકને પણ ઐચ્છિક દાન આપી વિદાય કર્યો. હર્ષના આવેશમાં અત્યંત પુલકિત થયેલા રાજા, યુવરાજ પુત્રને મળવા ઘણા ઉત્સુક બન્યા. સામૈયાની તૈયારી થઈ જતાં રાજા ઉદ્યાન તરફ જવા રવાના થયા. નગરીમાં પણ આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. રાજા સાથે પ્રજા પણ પોતાના ભાવિ રાજાને મળવા જવા સામૈયામાં જોડાઈ ગઈ. પિતા મહસેન શણગારેલ ગજરાજ પર બેસી નગરી બહાર ઉદ્યાનમાં વેગથકી આવી રહ્યા છે.
કુમારે પિતાને જોયા. પિતાએ પુત્રને જોયો. ગજરાજ ઉપરથી રાજા ઊતરી પુત્રની સામે જાય છે. પિતાને પગે ચાલીને આવતા જોઈ પુત્ર દોડતો સામે જઈ પિતાના ચરણમાં ઝૂકી ગયો. નીચે નમી પિતાએ પુત્રને ઊભો કર્યો. પિતાપુત્ર આનંદમાં આવી ભેટી પડ્યા. આ મિલન ઘણી પળો સુધી ચાલ્યું. ઘણા વર્ષોથી નયન સરોવરમાં આશીર્વાદના નીર ભર્યા હતાં. તે નીર આનંદના વેગથી બહાર ધસી આવ્યાં. હર્ષના આંસુથી બાપે બેટાને
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૫૧૮