________________
પ્રીતિ વધશે. વધારે શું કહીએ? તમારા માતાપિતાના કુળને અજવાળજો.
ત્યાર પછી કુમારને કહેવા લાગ્યા - હે પ્રાહુણા! પરદેશી કુમાર ! તમારા વિશ્વાસે અમારી વહાલી અને પ્રાણપ્રિય દીકરીઓને સોંપી છે. એમનું જતન કરજો. અમારી તો આ થાપણ, તમારે હાથે સોંપી છે. અમારી બધી દીકરીઓ ઉપર સરખી નજરે જોજો. રખેને બીજી પણ નવી નવી નારીઓ પરણો તો પણ આ દીકરીઓ ઉપર પ્રેમ જરૂર રાખજો. રખેને વિસરી ન જતા.
કુમારને પણ આ પ્રમાણે કહી સઘળા સાસુ સસરા કુમારના લલાટે કુમકુમનું તિલક કર્યું. છેલ્લી યાદીમાં હીરા-માણેક-મોતીના આભૂષણો અને અલંકારો આપ્યાં. સાથે મહામૂલ્યવાન વસ્ત્રો પણ આપ્યાં.
સહુ વિદ્યાધર પરિવારની વિદાયને ઝીલતો કુમાર, પોતાની બધી જ પત્નીઓને લઈને વિમાનમાં જઈ બેઠો. વિજયાપુર વિદ્યાધરની નગરીમાં કુમાર (૯૧૬) “નવસો સોળ” વિદ્યાધર કન્યાઓ પરણ્યો હતો. તે બધી જ સ્ત્રીઓ વિમાનમાં પતિ સાથે જઈ બેઠી. વળી ૧ અક્ષૌહિણી સેના પણ થઈ. દાસ-દાસીઓનો પરિવાર બધો જ જુદો. પરિવાર અને સેનાને પણ જુદા જુદા વિમાનમાં બેસાડી દીધા.
કુમારે જ્યાં જ્યાં પરણીને સ્ત્રીઓ મૂકી હતી ત્યાં ત્યાં એક વિદ્યાધર સાથે દશ દાસીઓને મોકલીને પોતાની પરણેલી બધી જ સ્ત્રીઓને, પદ્મપુર નગરે લઈ આવવા માટે રવાના કર્યા. દશ દાસી સાથે વિદ્યાધરો ભૂચર કુમારની સ્ત્રીઓને લઈ પદ્મપુર નગર તરફ જવા રવાના થયા.
કુમારે વિજયાપુરથી પ્રયાણ કરી દીધું. વિમાનને વેગીલું કરીને ઘણા વેગથી પદ્મપુર નગરે આવી ઊતર્યો. પઘરાજાએ મોટા સામૈયા સાથે નગર પ્રવેશ કરાવ્યો. ઘણા દિવસોથી ઝૂરતી મૃગસુંદરીને પોતાના સ્વામીનો મેળો થયો; કે જેના આનંદની અવધિ નથી. સ્વામીની બીજી પત્નીઓ સાથે સગી બેનથી અધિક માનતી સ્વામીની સેવામાં તત્પર રહી. ભૂચર કન્યાઓ, જે કુમાર પરણ્યો હતો તે પણ પદ્મપુર નગરે કુમારને ભેગી થઈ. સૌ પ્રેમથી પોતાના સ્વામીને જોતી હતી. તે પણ સ્ત્રીઓ પોતાના પિયરમાંથી મોટા કરિયાવર સાથે સાસરવાસો લઈને આવી હતી. કુમારે સૌને સંભાળી લીધી.
ત્યારપછી મૃગસુંદરી આદિ બધી સ્ત્રીઓને સાથે લીધી. મૃગસુંદરી તો પોતાના સ્વામીની અપાર ઋદ્ધિ સિદ્ધિ તથા બહોળો પત્ની સાથેનો પરિવાર જોઈ હર્ષ પામી. પદ્મપુર નગરથી કુમારે ભૃગુકચ્છ તરફ જવા પ્રયાણ કર્યું. છત્રપતિ સમ વિશાળ સૈન્યને પરિવાર સાથે જતાં, કુમારને માર્ગમાં આવતા નગરોના રાજાઓ કુમારનું સ્વાગત કરતાં, નમતાં અને મોટી મોટી ભેટ પણ આપતાં હતાં. બધાના નમસ્કારને ઝીલતો તથા ભેટ સોગાદને સ્વીકારતો કુમાર કનકપુર નગરે આવ્યો. જિતારી રાજાને ત્યાં દૂત મોકલી, સમાચાર કુમારે આપી દીધા હતા. જિતારી રાજાએ સામૈયા સાથે ચંદ્રકુમાર જમાઈનું ભવ્ય સ્વાગત કર્યું. રતિસુંદરીને મળ્યો. રતિસુંદરીને હરખનો પાર નથી. સ્વામીના ચરણે નમી. મૃગસુંદરી-ચંપકમાલા-આદિ બધી જ સ્ત્રીઓમાં સૌથી મોટી બેન રતિસુંદરીને
(શ્રી ચંદ્રશેખર રજાનો રાસ)
૫૧૦