________________
યોગિણીની વાત સાંભળીને નગરજનો - રાજ પરિવાર સૌ આશ્ચર્યમુગ્ધ થયા. સૌ માનવા લાગ્યા કે આ યોગિણી સતી નહિ પણ મહાસતી છે. રાજા અને વીરસેન બંને જ તેને સારી રીતે ઓળખે છે. તેથી યોગિણીની વાત સાંભળી કંઈક હસવા લાગ્યાં.
રાજાએ તો તેની ઉપર ભાવદયા ચિંતવી. કારણ કે વીરસેનની કથા સાંભળી, વૈરાગી થયા હતા. રાજા જ્યાં સુધી કંઈ જ ન આપે ત્યાં સુધી બીજા પણ કંઈ જ ન આપી શકે. તે જ અવસરે રાજાએ સેવક પાસે ખાવાપીવાનું તથા વસ્ત્રો ઘણાં મંગાવી યોગિણીને આપ્યા. પછી યોગિણીને પૂછવા લાગ્યા.
હે યોગિપત્ની ! તમે તો મહાસતી છો તે મેં સાંભળ્યું. તો તમે સાચું બોલજો કે પહેલો પરણ્યો પતિ વાંદરો કર્યો? વનવગડામાં નિર્દય બનીને તલવારનો ઘા ઝીંકી દીધો. પ્રીતમને વાંદરો બનાવ્યો. છેવટે જીવવા પણ ન દીધો. જંગલમાં છોડી દઈને, ગોપાળની સાથે રથ લઈને ભાગી ગઈ. તે પણ તું જ ને! વળી પલ્લી પતિને પણ મંદિરમાં હણી નાંખ્યો. જંગલમાં વૃક્ષ નીચે સૂતેલા તમે બંને તેમાં સિંહ આવીને, ગોપાળને ઉપાડી ગયો ત્યારે તું જ ને? તું ત્યાં એકલી. તંબૂરાના દૂર દૂરથી સૂર સાંભળી, નદી પાર ઊતરી ગઈ. અસહાય પાંગળા જોગીને ધણી તરીકે માન્યો. ચાર ચાર પતિ કરવા છતાં હજુ બીજાની પણ મનમાં ઈચ્છા ધારણ કરે છે. આ તારો પતિવ્રતા ધર્મ ? ભલો તારો પતિને ભલો તારો ધર્મ પાળતી. આ અલખપતિના કુળને અજવાળજે.
બીજી સ્ત્રી હો તો તો તરત જ ફાંસીને માંચડે ચડાવતે, પણ.. પણ.. તે યોગીનો વેષ ધારણ કર્યો છે. આ ભગવાં કપડાંમાં આકરી સજા ન થાય. તારા મુખ ઉપર કાળું વસ્ત્ર ઢાંકી દઈને, તને મારા રાજ્યની બહાર ચાલી જવા આજ્ઞા કરું છું. રાજાએ સેવકને હુકમ કર્યો. અને તરત જ સેવકે યોગિણીના મુખ ઉપર કાળું વસ્ત્ર ઢાંકી દેવરાવ્યું. રાજ્યની સીમા બહાર કાઢી મૂકી. યોગી-યોગિણી રાજ્ય સીમા વટાવી ચાલી ગયા.
યોગિણીને આ રાજા ઉપર અત્યંત વેર બંધાયું.
તે જ અવસરે રાજાની પાસે ઉદ્યાનપાલકે આવીને વધામણી આપી. હે મહારાજા ! મહાતપસ્વી ગોવિંદજી તાપસ મહામુનિ પોતાના પરિવાર સાથે આપણા વનઉધાનમાં પધાર્યા છે. તે સાંભળી તાપસનો ભકિતકારક રાજાએ ઉદ્યાનપાલકને વધાઈની ભેટ આપી રવાના કર્યો. શ્રવણપ્રિય સંદેશો સાંભળી રાજા ઘણો આનંદ પામ્યો. રાજમહેલમાં આ સમાચાર સહુને મળી ગયા. તાપસ મુનિની વાત સાંભળી સૌ આનંદ પામ્યાં. દર્શનાર્થે જવા સૌ તૈયાર થયા. રાજા - વીરસેન તથા પટ્ટરાણી આદિ સૌ પરિવાર તથા નગરજનો સાથે ઉદ્યાનમાં આવ્યા.
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)
૪૬૯