________________
સાંભળે, તે પછી કથાના પાત્રો પોતાના પૂર્વભવ વિષે પૂછે એટલે મુનિ પૂર્વભવની કથાઓ કહે. એ કથાઓ સાંભળી પાત્રો દીક્ષા લેવાનું નક્કી કરે, તે દીક્ષા લઈ સાધુજીવન ગુજારે. કેટલીક કથાઓમાં દીક્ષાનો ઉદય ન હોય તો પાત્ર બારવ્રત ધારણ કરે અને જૈનધર્મને અંગીકાર કરે છે.
જંબુસ્વામીની કથામાં કથા સાંભળતા પ્રભવ ચોર આદિ જંબુકુમારની આઠે પત્નીઓ અને તેમના સાસુ સસરા આદિ ધર્મ ઉપદેશ સાંભળી દીક્ષા લે છે. તરંગવતીની કથામાં તરંગવતી જ્યારે પોતાની કથા સંપૂર્ણ કરે છે ત્યારે શેઠ-શેઠાણી બાર વ્રતધારણ કરે છે.
જયાનંદ કેવલીની કથામાં જયાનંદ આદિ મળી છે પાત્રો દીક્ષા લે છે. દરેક તીર્થકરની કથામાં તીર્થકર પરમાત્મા દીક્ષા લે છે. અને ઉપસર્ગ સહન કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
આમ, જૈનકથાઓમાં દાન, શીલ, તપનો ઉપદેશ આપ્યો છે. પાંચ મહાવ્રતોનું મહત્ત્વ દર્શાવ્યું છે. કષાયોના ફળને બતાવી કષાયો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પાંચ ઇન્દ્રિયોના વિષયો પર પણ ઉપદેશ આપ્યા છે. ૮ મદ બતાવી મદ છોડવાનો ઉપદેશ પણ આપ્યો છે. વિશેષતાઓ -
જૈન આગમોમાં કુલકર, તીર્થકર, ચક્રવર્તી, શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા, નિન્દવ આદિના કથાનકો જોવા મળે છે. આ કથાઓના અવલોકનથી જણાય છે કે કોઇપણ વાર્તાને સમજવા માટે કાન્તા-સમ્મત પદ્ધતિ છે. તેથીજ નાની નાની કથાઓ કેટલીક ગંભીર વાતો કહી જતી હોય છે. આગામોમાં સિધ્ધાંતના ગૂઢ વિષયો સમજવા માટે પ્રતીક, દષ્ટાંત, રૂપક અને કથાની સહાય લેવામાં આવી છે. ઉપમાનો, પ્રતીકો વગેરેથી કથાનો વિકાસ-સાધવાની પરંપરા વેદો, મહાભારત અને બૌધ્ધ સાહિત્યના ગ્રંથોમાં પણ છે પરંતુ જૈન સાહિત્યે તેમાં વિશેષ રુચિ દર્શાવી છે.
આગમિક કથાઓનો વિકાસ મનોવૈજ્ઞાનિક ઢબે થયો છે. કથાના વિકાસનું પ્રથમ સ્તર અસંભવથી દુર્લભ તરફ જવાનું છે. આગમ કથા કહે છે કે સંસારમાં રહીને મુક્તિ પ્રાપ્ત કરવી અસંભવિત છે. તેથી મુક્તિ પ્રત્યે ઉત્કંઠા જાગે છે ત્યારે કથા સાંભળનાર પૂછે છે કે-શું સાચે સાચ સંસારીને મુક્તિ મળતી નથી? તેના ઉત્તરમાં કથાકાર કહે છે કે-ના, એ વ્યક્તિ(તીર્થકર) જેવું તપ કોઈ તપ કરે તો તેને મુક્તિનો અનુભવ થાય છે. આથી મુક્તિ અસંભવિત સ્થિતિમાંથી દુર્લભ સ્થિતિમાં આવી જાય છે. આ જિનોનું આદર્શ જીવન પ્રસ્તુત કરવાની ભૂમિકા છે.