________________
પં.કનકવિજયજી મ.સા.કહે છે કે,
વિશ્વની શ્રેષ્ઠ વિભૂતિ શ્રમણ ભગવાન મહાવીર દેવના સમકાલીન ઇતિહાસનો ઐતિહાસિક પાત્રોને તથા તત્કાલીન વાતાવરણને સજીવ કરતી મહાકથા લેખક ભાઇશ્રી ધામીએ અહીં આલેખી છે. તેમની શૈલી શાંતપણે વહી જાય છે. ભાષા પરનો તેમનો કાબૂ અદ્ભુત છે, શબ્દોને સંસ્કાર ભરી છટામાં રજુ કરવામાં તેમનું સામર્થ્ય અપ્રીતમ છે. ક્યાંય પાત્રોના વ્યક્તિત્વને અન્યાય ન થવા પામે તેની તેઓએ કાળજી રાખી છે. તે જાળવીને સાત્ત્વિક, રાજસ અને તામસી ભાવોને, જે દરેક આત્મામાં ભિન્ન ભિન્ન રૂપે રહેલા છે તેને ધામીએ હૂબહૂ આલેખ્યાં છે. શૃંગાર, વીર, રૌદ્ર, શાંત, વૈરાગ્ય રસોને પણ યથાવસરે આલેખીને શાંત અને વૈરાગ્યરસની પ્રધાનતા, શ્રેષ્ઠતા દર્શાવી છે. ધામીના શબ્દો યથાર્થ તેમજ અનુભવ રૂપ એરણ પર ઘડાઇને બહાર આવ્યા છે. ઐતિહાસિક પાત્રોની સાથે પ્રાસંગિક અનેક પાત્રોને વાચકના માનસ પટ પર અંકિત કરવા અનેક પ્રસંગો નવા- નવા રજૂ કર્યા છે છતાં મૂલ કથાવસ્તુને સહેજ પણ આંચ કે ક્ષતિ નથી આવવા દીધી.
તેઓની કલ્પના સૃષ્ટિના ઘડેલા એક એક પાત્રને જુઓ! ધામીએ સુંદર રીતે રજૂ કર્યા છે. મહારાજા ચેટક, જિતશત્રુ, ધારિણીદેવી, ભગવાન શ્રી મહાવીર દેવ, ધનવાહ શ્રેષ્ઠી, વસુમતિ-ચંદનબાલા ઇત્યાદિ મુખ્ય પાત્રોને તેમણે સરસ રીતે વર્ણવ્યા છે.
જૈન ઇતિહાસના પ્રસંગોને, સંસારના આસુરી પિરબળો જેવા કે કામ, ક્રોધ, મદ, મત્સર, ઇર્ષ્યા, હિંસા, પરિગ્રહ, માન, લોભ ઇત્યાદિની સામે ત્યાગ વૈરાગ્ય, ક્ષમા, તપ, તિતિક્ષા, સંયમ ઇત્યાદિને અદ્ભુત રીતે આલેખ્યા છે.
મોહનલાલ ચુનીલાલ ધામી રચિત ‘અમર બલિદાન યાને સિધ્ધગિરિના શહીદો’ પુસ્તકમાં કાકુભાઇ નારસિંહ બ્રહ્મભટ્ટ કહે છે કે,
“બારોટોનું ઉદ્ગમસ્થાન રાજસ્થાન ગણાય છે. ઇતિહાસ પ્રસિધ્ધ ચંદ બારોટ જોધપુર અંતર્ગત બાલા ગામના હતા. જ્યાં આજે પણ એમના વંશજો વસે છે. કાળક્રમે વિક્રમના ૧૨માં સૈકામાં શ્રી શંત્રુજયગિર નીકટ, હાલ ધોળી વાવ છે ત્યાં રંગપુર નામનું ગામ વસાવી તેઓ રહ્યા. તીર્થ રક્ષા માટે બારોટોએ જે બલિદાન આપ્યા તેની આ કથા છે. આ કથામાં અલ્લાઉદ્દીન ખીલજીના અમાનુષી હુમલાનું રસપ્રદ નિરૂપણ છે. સમસ્ત ભારતવાસી બારોટોની આ મહાન કુરબાની માટે મગરૂબી અનુભવે છે. રાજર્ષિ કુમારપાળ રાજાના મંદિર સામે શહીદ થયેલા વીર બારોટોના પાળીઆઓ આજે પણ પૂજાય છે.’*
558